વડાલી તાલુકાના વેડા ગામે વણઝારા પરિવારે મંગાવેલું ઇલેકટ્રોનિક્સ સામાનનું પાર્સલ ખોલતાં જ ધડાકા સાથે બ્લાસ્ટ થયો
પાર્સલ બોંમ્બના કારણે મોત થયાના ગુજરાતમાં ભૂતકાળમાં પણ 4 કિસ્સા બની ચૂક્યા છે
ગરવી તાકાત, સાબરકાંઠા તા. 02 – સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વેડા ગામે દર્દનાક બનાવ સામે આવ્યો છે. વેડા ગામના વણઝારા પરિવારના ઘરે આવેલ પાર્સલ ખોલતાંની સાથે જ બ્લાસ્ટ થતાં પિતા અને પુત્રીનું મોત નીપજ્યું છે. પાર્સલ ખોલતાં જ જોરદાર ધડાકો થયો હતો અને પિતાનું ઘટના સ્થળે અને પુત્રીનું સારવાર દરમિયાન મોત થવા પામ્યું છે.
બંનેના મૃતદેહ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્ય બે ઈજાગ્રસ્તને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બ્લાસ્ટની જાણ થતાં વડાલી પોલીસ અને ઈડર ડીવાયએસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. સારવાર હેઠળ ખસેડાયેલા ઈજાગ્રસ્તોના નજીક બ્લાસ્ટ થયો હોવાને લઇ ફોરેન પાર્ટિકલ્સ શરીરમાં ઘૂસ્યા. રેડિયોલોજી અને તબીબો દ્વારા ચોક્કસ અનુમાન લગાવવા તપાસ શરૂ કરાઈ.
ઈલેક્ટ્રોનિક સામાનનું પાર્સલ – પ્રાપ્ત માહિતી અનુસાર વણઝારા જિતેન્દ્રભાઈના નામે આ પાર્સલ આવ્યું હતું અને તેમાં હોમ થિયેટર હોવાની માહિતી હાલ સામે આવી છે. જે પાર્સલ ઘરે પહોંચતા પરિવારના સભ્યોએ તેને ખોલ્યું હતું. ત્યારે ઈલેક્ટ્રોનિક સામાનનું પાર્સલ જોરદાર ધડાકા સાથે બ્લાસ્ટ થયું હતું. આ દુર્ઘટનામાં 2 લોકોના મોત થયા છે જ્યારે બેની હાલત ગંભીર છે. આ ઘટનાને લઈ ગામલોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
મૃતકનાં નામ
જીતુભાઇ વણઝારા (ઉંમર વર્ષ 30)
ભૂમિકાબેન જીતુભાઇ વણઝારા (ઉંમર વર્ષ 14)
ઇજાગ્રસ્તના નામ
શિલ્પાબેન વિપુલભાઈ વણઝારા (ઉંમર વર્ષ 14)
છાયાબેન જીતુભાઇ વણઝારા (ઉંમર વર્ષ 11)
એપ્રિલ 2023માં રાજકોટમાં સાળા-બનેવીએ ટાઇમર બોમ્બથી બ્લાસ્ટ કર્યો
7 એપ્રિલ 2023ના રોજ રાજકોટ શહેરના ગુંદાવાડી વિસ્તારમાં ભવારામ ચૌધરીની મોબાઇલ એસેસરીઝની દુકાનમાં એક ભેદી ઘટના બની હતી, જેમાં ડોલી પઢારિયાની નામની મહિલા સાંજના સમયે પાર્સલ મૂકીને જતી રહી હતી અને લાંબા સમય સુધી લેવા આવી ન હતી. દુકાન બંધ પણ થઇ ગઈ અને પાર્સલમાંથી રાત્રિના સમયે અચાનક ધડાકા બાદ આગ ભભૂકી ઊઠી હતી. આગમાં મોબાઇલની એસેસરીઝ સળગીને ખાખ થઇ ગઇ હતી. જેમાં તપાસમાં સામે આવ્યું હતું છે કે, ધંધાની હરીફાઈમાં સાળા શ્રવણ અને બનેવી કાલરામ ઉર્ફે કલ્પેશ ચૌધરીએ યુ-ટ્યૂબના માધ્યમથી રમકડાની કારમાં ટાઇમર બોમ્બ બનાવી દુકાનમાં બ્લાસ્ટ કરાવ્યો હતો.
મે-2022માં પ્રેમીએ લગ્નની ગિફ્ટમાં બોમ્બ મોકલ્યો
નવસારીના વાંસદા તાલુકાના મિંઢાબારી ગામ વર્ષ 2022ના મે મહિનામાં વરરાજા લગ્નમાં આવેલી ગિફ્ટ ખોલી રહ્યા હતા ત્યારે તેમાં બ્લાસ્ટ થયો હતો. જે સમગ્ર ઘટનામાં જાણવા મળ્યું હતું કે, રાજુ ધનસુખ પટેલ નામનો યુવક વરરાજા લતેશ ગાવિતની સાળીને પ્રેમ કરતો હતો પરંતુ યુવતી તેની સાથે વાત કરતી ન હતી. જેથી યુવતીની હત્યા કરવા માટે આરોપી રાજુ પટેલે લગ્નની ગિફ્ટમાં બોમ્બ મોકલ્યો હતો. જે પાર્સલ વરરાજા લતેશ ગાવિતે ખોલતા તેમાંથી એક ઇલેક્ટ્રોનિક ગિફ્ટ નીકળી હતી જેનો વાયર બોર્ડમાં ભરવતા જ બ્લાસ્ટ થયો હતો. જેમાં લતેશ ગાવિત અને ત્રણ વર્ષનો ભત્રીજાો ઇજાગ્રસ્ત થયો હતો.
5 વર્ષ અગાઉ ઉપલેટાની સ્કૂલમાંથી મળ્યો હતો પાર્સલ બોમ્બ
5 વર્ષ પહેલાં ઉપલેટા-પોરબંદર હાઇવે ઉપર આવેલી ક્રિષ્ના સ્કૂલમાં કુરિયર મારફત બોમ્બ મોકલવામાં આવ્યો હતો. આ ઘટનાથી સ્કૂલમાં કામ કરતા કર્મીઓ પણ અજાણ હતા. સ્કૂલ-સંચાલકના નામથી કુરિયર મોકલવામાં આવ્યું હતું. આ પાર્સલ ખોલતાં શંકાસ્પદ વસ્તુ જણાઇ આવી હતી. એ બાદ સ્થાનિક પોલીસને જાણ કરાતાં એસીપી કક્ષાના અધિકારી પહોંચી ગયા હતા. બાદમાં બોમ્બ જણાતાં રાજકોટના તત્કાલીન એસપી બલરામ મીણા અને BDSની ટીમ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ત્યાર બાદ તપાસમાં પાર્સલ બોમ્બમાં સુપર પાવર 90 પદાર્થ મળી આવ્યા હતા. રાજકોટ અને રૂલર BDS દ્વારા બોમ્બને અવાવરું જગ્યાએ લઈ જઈ બ્લાસ્ટ કરી ડિફ્યુઝ કરાયો હતો.
1987માં વાંકાનેરના પૂર્વ ધારાસભ્યનું પાર્સલ બોમ્બ બ્લાસ્ટમાં મોત થયું હતું
વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય મંઝુર હુસૈન પીરઝાદાનું પાર્સલ બોમ્બ બ્લાસ્ટમાં મોત થયું હતું. આ બોમ્બ બ્લાસ્ટની ઘટના 25-7-1987ના રોજ બની હતી. કોઈ રિક્ષાવાળા આવ્યા હતા અને તેમણે એવું કહ્યું કે, તમારું પાર્સલ કોઈએ મોકલ્યું છે. બાદમાં પાર્સલ ખોલતાં જ બ્લાસ્ટ થયો હતો. જેમાં મંઝુર હુસૈન પીરઝાદા સહિત ત્રણથી ચાર લોકોના મોત થયા હતા. હજી પણ આ કેસ ઉકેલાયો નથી.