શહેરમાં પોલીસ જ સુરક્ષિત નથી તો સામાન્ય માણસની શું વાત કરવી? હાલ શહેરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે. જેણે સાંભળીને કોઈનું પણ શરમથી માથું ઝૂકી જાય તેમ છે. અમદાવાદમાં એક બુટલેગર જાહેર રોડ પર પોલીસને બીભત્સ ગાળો આપી દોડાવી દોડાવીને માર્યા હતા. નરોડાના મુઢિયા ગામે પોલીસ પર બુટલેગરોએ જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ મામલે નરોડા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નરોડા વિસ્તારમાં સુરેશ નામના પોલીસકર્મી પર એક બુટલેગર હથોડાના ઘા ઝીંકે છે. પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ બુટલેગરે હુમલો કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે બુટલેગર અનિલ અને સંજય સહિત 15 સામે ફરિયાદ નોંધી છે. ત્યારે આ ઘટના બાદ નરોડા પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. હજુ સુધી માથાભારે બુટલેગર પોલીસ પકડથી દુર છે.
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે નરોડામાં ફરજ બજાવતા સુરેશ મુઠીયા ગામ પાસે પ્રોહિબિશન આરોપીને પકડવા ગયા હતા. જ્યાં મામલો ગરમાતા બૂટલેગર અનિલ સોલંકી અને સંજય સોલંકી સહિત કેટલાક લોકોએ બંને પોલીસકર્મીને માર માર્યો હતો. લોખંડના હથોડા જેવા હથિયાર વડે પોલીસને માર માર્યો હોવાની માહિતી મળી રહી છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે રસ્તા પર દોડતા સમયે પોલીસકર્મી જમીન પર પડી ગયો હતો છતાં તેને માર મારવાનું ચાલુ જ રાખ્યું હતું. એટલુ જ નહીં, પોલીસકર્મીઓ ભાગી રહ્યા હતા ત્યારે પણ તેમને એક્ટિવા પર બેસતા સમયે પણ માર માર્યો હતો.
બીજી બાજુ આ ઘટનામાં નરોડા વિસ્તારમાં પોલીસ સાથે શા માટે બૂટલેગરને ત્યાં ગયો હતો તેને લઈને ચર્ચા ચાલી રહી છે. પરંતુ હાલ તો પોલીસ પ્રોહિબિશનના આરોપીને પકડવા ગઈ હોવાની વાત સામે આવી છે. પરંતુ સાચી હકીકત શું છે તે તો સમગ્ર ઘટનાની તપાસ થશે ત્યારે સામે આવશે.