બનાસકાંઠા જિલ્લામાં ૬ હજાર હેક્ટરમાં તરબુચ અને શક્કર ટેટીનું વાવેતર કરી ખેડૂતે ઈતિહાસ રચ્યો

March 23, 2022

— ડીસા તાલુકાના પમરૂ ગામના ખેડુતે ૪.૫ વિઘા જમીનમાં તરબુચ અને શક્કરટેટીનું વાવેતર કર્યુ,

ગરવી તાકાત પાલનપુર : બનાસકાંઠા જિલ્લાનું હવામાન સુકુ અને અર્ધસુકુ છે. આ જિલ્લાનો કુલ ૧૦.૭૪ લાખ હેકટર ભૌગોલીક વિસ્તાર વાવેતર પૈકી ૭.૪૧ લાખ હેક્ટર વિસ્તાર વાવેતર લાયક છે. જિલ્લાની જમીન મુખ્યત્વે રેતાળ, ગોરાડુ અને મધ્યમ કાળી છે. જેમાં મગફળી, બાજરી, દીવેલા, જુવાર, વરીયાળી, કઠોળ, તલ, રાઇ, ઘઉં, ઇસબગુલ, બટાટા અને શાકભાજીનું વાવેતર થાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારની ખેડુતહિત લક્ષી નીતિઓ અને કૃષિ વૈજ્ઞાનિકોના માર્ગદર્શનથી જિલ્લામાં બાગાયતી પાકોનો ખુબ ઝડપથી વિકાસ થઇ રહ્યો છે. જેમાં દાડમ, પપૈયા, ખારેક, બટાટા, જીરૂ, વરીયાળી, તરબુચ અને શક્કર ટેટીના વાવેતર વિસ્તારમાં નોંધપાત્ર વધારો થયો છે.
બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ૨૬૦૦ હેક્ટર વિસ્તારમાં તરબુચ અને ૩૭૦૦ હેક્ટર વિસ્તારમાં શક્કર ટેટીનું વાવેતર મળી કુલ- ૬ હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં તરબુચ અને શક્કર ટેટીનું વાવેતર થયું છે. જેમાં ડીસા અને દાંતીવાડા તાલુકો તરબુચ અને શક્કર ટેટીના વાવેતરમાં સૌથી મોખરે છે. ખેડુતોની આવક બમણી કરવાના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આહવાનના પલગે જિલ્લાના ઘણા ખેડુતો સખત મહેનત અને આધુનિક ખેતીના માધ્યમથી આર્થિક રીતે સધ્ધર બની રહ્યા છે
ડીસા તાલુકાના પમરૂ ગામના ખેડુત સહદેવભાઇ જીવરાજભાઇ ચૌધરીએ ઉનાળાની સીઝનને ધ્યાનમાં રાખીને ૪.૫ વીઘા જમીનમાં તરબુચ અને શક્કર ટેટીનું વાવેતર કર્યુ છે. તેમણે કહ્યું કે, મારી પાસે કુલ-૧૫ વીઘા જમીન છે. તેમાં અમે વર્ષોથી પરંપરાગત રીતે એરંડા, રાયડો, બાજરી અને તમાકુની ખેતી કરતા હતા. પરંતુ હવે સમય બદલાયો છે. પાણીના તળ પણ દિવસે દિવસે ઉંડા જઇ રહ્યા છે એની સામે ઓછા સમયમાં ઓછા ખર્ચથી વધુ આવક કેવી રીતે મેળવી શકાય તેના વિશે ખેડુતો વિચારતા થયા છે.
પાણીનો બગાડ અટકે અને ઓછા પાણીએ વધુ ઉત્પાદન મેળવવા માટે ટપક અને ફુવારા પધ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. ખેડુત સહદેવભાઇએ જણાવ્યું કે, એક ભણેલો વ્યક્તિ સમગ્ર કુંટુંબને તારે છે. એમ અમારા ગામના ખેડુત પુત્ર અને ભણીગણીને ખેતીવાડી ખાતામાં અધિકારી બનેલા શ્રી મહાદેવભાઇ ચૌધરીએ અમને સરકારની બાગાયત ખાતાની યોજનાઓ અને તરબુચ- ટેટીની ખેતી અંગે માર્ગદર્શન આપતા આ વર્ષે ૪.૫ વીઘામાં પ્લાસ્ટીક મલ્ચીંગ અને ટપક પધ્ધતિથી તરબુચ અને શક્કર ટેટીનું વાવેતર કર્યુ છે.
એમાં આંતરપાક તરીકે મરચાનું પણ વાવેતર કર્યુ છે. ખેતીવાડી ખાતા આ અધિકારી મહાદેવભાઇ જ્યારે પણ ગામમાં આવે ત્યારે ખેડુતોના ખેતરો ખુંદતા હોય છે અને તેઓ ખેડુતોને બાગાયતી ખેતી, બિયારણ અને ઓછા પાણીએ વધુ આવક કેવી રીતે મેળવી શકાય તે અંગે માર્ગદર્શન આપતા હોય છે. તેમના માર્ગદર્શનથી આજે અમારા ગામના ઘણાં ખેડુતો દાડમ, મરચા, તરબુત અને ટેટીનું વાવેતર કરતા થયા છે.
આ પાકો દ્વારા ઓફસીઝનમાં પણ સારી આવક મેળવી શકાય છે. તેમના જણાવ્યા મુજબ તરબુચ અને શક્કર ટેટીના વાવેતર માટે રૂ. ૧ લાખથી વધુનો ખર્ચ થયો છે. તેના વેલાઓ ઉપર પાક સારો બેસતા આ વર્ષે રૂ. ૩ થી ૪ લાખની આવક થવાની ધારણા છે. ખેતીમાં ઉત્પાદન ખર્ચ ઘટે અને આવક વધે તો ખેડુતોની સુખ-સમૃધ્ધિ અને આવકમાં વધારો થાય છે. બે થી અઢી મહિનાના ઓછા સમયમાં ઓછા ખર્ચે બાગાયતી ખેતીમાં સારી આવક મેળવી શકાય છે. તેમણે કહ્યું કે, બજાર વ્યવસ્થાને ધ્યાનમાં રાખી આયોજનપૂર્વક ખેતી કરવામાં આવે તો બાગાયતી પાકો દ્વારા ખેડુતો સારી આવક મેળવી શકે છે.
તસવિર અને આહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર
Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

[location-weather id="53895"]

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0