એક બળાત્કારની ઘટના અમરેલીના સાવરકુંડલાના એક ગામમાં સામે આવી છે. જેમાં એક ફઈએ જ તેની સગી ભત્રીજીને તેની માસીના બે દીકરાની સાથે રૂમમાં પૂરીને સામૂહિક બળાત્કારની ઘટનાને અંજામ અપાવ્યો હતો. ફઈનો ભાંડો ફૂટી જતા ભોગ બનનાર સગીરાએ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફઈ અને તેની માસીના બે દીકરા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મહિલા અને બે યુવકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
રિપોર્ટ અનુસાર અમરેલીના સાવરકુંડલામાં આવેલા ભમ્મર ગામમાં રહેતી એક મહિલાએ તેની ભત્રીજીને નવા-નવા કપડાં ખરીદી આપશે તેવી લાલચ આપીને ૪ મહિના પહેલા તેના ઘરે બોલાવી હતી. ભત્રીજી તેના ઘરે આવ્યા બાદ મહિલાએ તેના આંબરડી ગામમાં રહેતા તેના માસીના બે દીકરાઓને તેના ઘરે બોલાવ્યા હતા અને તેને સગી ભત્રીજી સાથે બંને માસીના દીકરાને એક રૂમમાં પૂરી દીધા હતા. રૂમમાં બંનેએ ચપ્પુની અણીએ સગીરા પર સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. અવાર નવાર બંને યુવકો સગીરા પર દુષ્કર્મ આચરતા હતા. ફઈએ સગીરાના કેટલાક બીભત્સ ફોટાઓ પાડ્યા હતા અને વીડિયો પણ ઉતાર્યા હતા. ૪ મહિનાથી ચાલતા આ કૃત્યનો ભાંડો ફૂટતા સગીરાએ સમગ્ર મામલે તેના પિતાને જાણ કરી હતી અને યુવતીના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો – મહેસાણાના શોભાસણમાંથી IPL ની મેચોમાં સટ્ટો રમાડતો એક આરોપી મુદ્દામાલ સાથે ઝડપાયો !
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા રાજકોટમાં એક યુવકે નાની બાળકીને ભાગ આપવાનું કહીને તેનું સાયકલ પર અપહરણ કરી તેની સાથે ખુલ્લા મેદાનમાં અપકૃત્ય કર્યું હતું. આ સમગ્ર ઘટનાની જાણ એક જાગૃત નાગરિક થતા તેને તાત્કાલિક પોલીસને જાણ કરી નરાધમને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. ઘટના પહેલા સુરતમાં માતાના માસાએ સગીરા સાથે દુષ્કર્મ કરીને તેને ગર્ભવતી બનાવી હોવાની ઘટના સામે આવી હતી. યુવતીને પેટનો દુખાવો થતાં સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટયો હતો તેથી પરિવારના સભ્યોએ સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં નરાધમ મસા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે નરાધમ માતાના માસાની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.
(એજન્સી)