બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણથી લોકોને સલામત અને સુરક્ષીત રાખવા કલેક્ટરની સુચના અને માર્ગદર્શન અનુસાર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં છેવાડાના કે અંતરિયાળ વિસ્તારો સુધી વ્યાપક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા દુકાનો અને દૂધ મંડળીઓ ઉપર ગોળાકાર કે ચોરસ નિશાની જરૂરી
બજારમાં દુકાનો, શાકભાજીની લારીઓ, નાસ્તાગૃહો, ગ્રામ્ય વિસ્તારોમાં દુધ મંડળીઓ વગેરે સ્થળો કે જ્યાં લોકોની ભીડ થઈ શકે છે. ત્યાં સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવવા ગોળાકાર કે ચોરસની નિશાનીઓ કરીને લોકો છુટા છુટા ઉભા રહી શકે તેવી વ્યવસ્થા કરવી જરૂરી છે. સુચનાને પગલે અધિકારીઓએ વેપારીઓ, સબંધીત એસોસીએશનો વગેરે સાથે ચર્ચા કરી નિર્ણાય લેવાતાં હવે ઘણા સ્થળોએ દુકાનો, ગ્રામ્ય વિસ્તારોમાં દુધ મંડળીઓ વગેરે આગળ ગોળાકાર કે ચોરસની નિશાનીઓ જોવા મળે છે. જેથી લોકો થોડાક અંતરે ઉભા રહી ખરીદી કરી શકે છે. સમગ્ર જિલ્લામાં આવી વ્યવસ્થા અમલી બનાવવામાં આવશે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અધિકારી, કર્મચારીઓની ટીમો બનાવવામાં આવી છે. જે સઘન ચેકીંગ કરે છે.
માસ્ક અંગેના અમલીકરણ માટે જિલ્લામાં સક્સેસફુલ ડ્રાઈવ
કોરોના સંક્રમણ અટકાવવા દરેક લોકોએ માસ્ક પહેરવું બહુ જ જરૂરી છે. બજારમાં અને રસ્તાઓ પર માસ્ક અંગે સઘન ચેકીંગ ચાલી રહ્યું છે. પરિણામે લોકો હવે બહાર નિકળે ત્યારે માસ્ક જરૂર પહેરે છે. ઘણા લોકો માસ્કની જગ્યાએ હાથ રૂમાલનો ઉપયોગ કરે છે. બહેનો માસ્ક ઉપરાંત દુપટ્ટો કે સાડીનો પણ ઉપયોગ કરે છે. બાળકો પણ જાગૃતિપૂર્વક માસ્ક પહેરેલા જોવા મળે છે. આમ માસ્ક અંગેના અમલીકરણ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાઈ રહેલી ડ્રાઈવ સક્સેસ બની રહી છે.
સમગ્ર જિલ્લામાં લોકોને આરોગ્ય સુવિધાઓ સારી રીતે મળે તે માટે પર્યાપ્ત વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે. કોરોના સંક્રમણ ઉપર અંકુશ મેળવવા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઠેર-ઠેર રેપીડ ટેસ્ટીંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ધન્વંતરી રથ મુકીને લોકોના આરોગ્યની ચકાસણી અને રેપીડ ટેસ્ટીંગની કામગીરી કરવામાં આવી છે. લોકોની જાગ્રતિ વધારવા પણ ધન્વંતરી રથ પણ ઉપયોગી નિવડી રહ્યા છે.