- પાલનપુરના લક્ષ્મીપુરા અર્બન હેલ્થ સેન્ટર પર લોકો ઉમટતા સોસીયલ ડિસ્ટન્સના ધજાગરા
- પાલનપુરના મોટા ભાગના સેન્ટરો પર પીવાની પાણી અને બેસવાની સુવિધાઓની અછતની રાવ
કોરોના મહામારીને પગલે બનાસકાંઠા જિલ્લામાં પણ વેકસીનેસન ઝડપી બનાવવા પ્રયાસ થઇ રહ્યો છે. સરકાર દ્વારા અગાઉ 45 વર્ષથી ઉપરની વયના લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું હતુ. જોકે છેલ્લા કેટલાય સમયથી 18 થી 44 વર્ષના લોકો વેક્સિન માટે વલખા મારી રહ્યાં હતાં.અને વેક્સિનેશન શરૂ કરાય તેવી લોકો દ્વારા માંગ પણ કરાઈ હતી. ત્યારે હવે મોડે મોડે સરકાર દ્વારા 18 થી 44 વર્ષના લોકો માટે વેક્સિનેશન શરૂ કરાયું છે. પરંતુ વેક્સિનેશન સેન્ટર ઉપર વ્યવસ્થાના અભાવે ઠેર ઠેર વેક્સિન સેન્ટર ઉપર જ સોસીયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી રહ્યા છે. કેટલાંક વેક્સીન સેન્ટર ઉપર વેક્સીન લેવા આવતા લોકો માટે બેસવાની કે પાણીની પણ સગવડ ન કરાતાં અત્યારે વેક્સીન લેવા આવતા લોકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે એક તરફ ત્રીજા વેવની શક્યતાઓને જોઈ લોકોમાં ભય છે. સરકાર દ્વારા પણ કોવીડ ગાઇડલાઇનનુ પાલન કરવા લોકોને કહેવામાં આવી રહ્યું છે પરંતુ અત્યારે વેક્સિનેશન સેન્ટરના સ્થિતિ જોવામાં આવે તો ખુદ સરકાર જ કોવીડ ગાઈડલાઈનનો ભંગ કરતી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. વહેલી તકે બનાસકાંઠા જિલ્લાનું આરોગ્ય તંત્ર એલર્ટ બને અને વેક્સિન સેન્ટર ઉપર યોગ્ય સુવિધાઓ જેવી કે પાણી, બેસવાની કે પછી સોસીયલ ડિસ્ટન્સ જળવાય તે રીતે વેક્સીનની કામગીરી થાય તેવી માંગ ઉઠવા પામી છે.
વેક્સીન લાભાર્થી શુ કહે છે.
આ બાબતે વેક્સીન લેવા આવેલા લાભાર્થી ઠાકુરદાસ ખત્રીએ જણાવ્યું હતુ કે હું લક્ષ્મીપુરા સેન્ટર પર વેક્સિન લેવા ગયો હતો પરંતુ ભીડ જોઈ ડર લાગે છે. સરકાર દ્વારા 18 થી 45 વર્ષના લોકો માટે વેક્સિનેશન શરૂ કરાયું ખુબ જ સારી બાબત છે. પરંતુ વેક્સિનેશન સેન્ટરો પર કોઈ પણ જાતની વ્યવસ્થા નથી તો સરકાર વહેલી તકે વ્યવસ્થા કરી વેક્સિનેશન કરે તેવી અમારી માંગ છે.