પાકિસ્તાનને વર્લ્ડ કપની પહેલી મેચમાં વેસ્ટઈન્ડિઝે 7 વિકેટથી હરાવ્યું ઈંગ્લેન્ડે પોતાની પહેલી મેચમાં દક્ષિણ આફ્રિકાને 104 રનથી હરાવ્યું હતું

ગરવીતાકાત સ્પોર્ટ્સ ડેસ્કઃ વર્લ્ડ કપની છઠ્ઠી મેચમાં યજમાન ટીમ ઈંગ્લેન્ડનો મુકાબલો પાકિસ્તાન સાથે નોટિંગહામમાં થશે. આ મેચ ભારતીય સમયાનુસાર બપોરે 3 વાગ્યે રમાશે. પાકિસ્તાને ટૂર્નામેન્ટમાં પોતાની પહેલી મેચમાં વેસ્ટઈન્ડિઝ વિરૂદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો, તો ઈંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. સરફરાઝ અહમદની કેપ્ટનશીપમાં પાકિસ્તાનની ટીમ સતત 11 મેચ હાર્યુ છે. તેઓને છેલ્લી જીત 27 જાન્યુઆરીનાં રોજ દક્ષિણ આફ્રિકા સામે મળી હતી. જે બાદ આફ્રિકી ટીમે એક, ઓસ્ટ્રેલિયાએ પાંચ, ઈંગ્લેન્ડે ચાર અને વેસ્ટઈન્ડિઝે એક મેચમાં તેમને હરાવ્યાં.
બંને ટીમ આ મેદાન પર 17 દિવસ પછી બીજી વખત આમનેસામને થશે. ગત મેચમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને ત્રણ વિકેટે હરાવ્યું હતું. ત્યારે પાકિસ્તાને પહેલાં બેટિંગ કરતા સાત વિકેટ પર 340 રન બનાવ્યાં હતા. ઈંગ્લેન્ડે સાત વિકેટના નુકસાને 49.3 ઓવરમાં 341 રન બનાવીને મેચ પોતાના નામે કરી હતી.

પાકિસ્તાન નોટિંગહામમાં ઈંગ્લેન્ડ સામે માત્ર 3 મેચ જીત્યાં: આ મેદાન પર બંને ટીમોના રેકોર્ડની વાત કરીએ તો પાકિસ્તાને અહીં 14 મેચ રમી છે, જેમાંથી 7 જીત્યાં અને આટલાં જ મેચમાં તેઓએ હારનો સામનો કરવો પડ્યો છે. જો કે ઈંગ્લેન્ડ વિરૂદ્ધ અહીં 8માંથી 5 મુકાબલામાં તેઓને હાર જ મળી છે. પાકિસ્તાન માત્ર 3 મેચ જ જીતી શક્યું છે. બીજી બાજુ ઈંગ્લેન્ડ અહીં 34માંથી 17 મેચ જીત્યાં છે, 14માં હાર મળી છે. જ્યારે બે મેચ ટાઈ રહી અને એકમાં કોઈ જ પરિણામ આવ્યું નથી.

પાકિસ્તાન-ઈંગ્લેન્ડ હેડ ટૂ હેડઃ બંને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 87 મેચ રમાઈ છે. જેમાંથી ઈંગ્લેન્ડે 53 અને પાકિસ્તાને 31માં જીત મેળવી છે. ત્રણ મેચનું કોઈ જ પરિણામ આવ્યું નથી. વર્લ્ડ કપની વાત કરીએ તો બંને ટીમ અત્યાર સુધી 9 વખત આમનેસામને થયા છે. જેમાં ઈંગ્લેન્ડે ચાર અને પાકિસ્તાને પણ ચારમાં જીત મેળવી છે. એક મેચનું કોઈ જ પરિણામ આવ્યું નથી.

પિચનો મિજાજઃ નોટિંગહામમાં વાદળા છવાયેલાં રહેશે. મેચની શરૂઆતમાં ફાસ્ટ બોલર્સને સ્વિંગ મળી શકે છે. આ પિચ પર બંને ટીમ વચ્ચે રમાયેલી છેલ્લી મેચમાં 300+ રન બન્યા હતા. આજે જે પણ ટીમ શરૂઆતની ઓવરમાં સાચવીને રમશે તે મોટો સ્કોર બનાવવામાં સફળ થશે.

Contribute Your Support by Sharing this News: