મુંબઈ રેલવે મહામારી બાદના સમય માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી રહી હોય તેમ જણાઈ રહ્યું છે. સેન્ટ્રલ રેલવે (સીઆર) અને પશ્ચિમ રેલવે (ડબ્લ્યુઆર), બન્નેએ તેમનાં મોટા ભાગનાં સ્ટેશનો પરથી કનેક્ટિવિટી પૂરી પાડવા માટે અૅપ-આધારિત ઇલેક્ટ્રિક બાઇક અને ઇલેક્ટ્રિક ઑટો માટે ચાર્જિંગ બેઝ અને પાર્કિંગનાં સ્થળોનું નિર્માણકાર્ય શરૂ કર્યું છે.

સેન્ટ્રલ રેલવેએ જગ્યાઓ ફાળવી છે અને છ ચાવીરૂપ રેલવે સ્ટેશનો માટે બીડ મગાવી છે, તો પશ્ચિમ રેલવેએ સર્વે માટેના પ્લાનને આખરી ઓપ આપ્યો છે અને સ્ટેશનો તથા સ્થળો નક્કી કર્યાં છે.

ચાર્જિંગ સ્ટેશનો એક વાસ્તવિકતા છે. સીઆરએ છ મહત્ત્વનાં અને ભીડ ધરાવતાં રેલવે સ્ટેશનો માટે બીડ મગાવી છે. રેલવે સ્ટેશનોનાં એન્ટ્રી-એક્ઝિટની જગ્યા ચાર્જિંગ સ્ટેશનો માટે પ્રાપ્યતા અનુસાર નિર્દિષ્ટ કરવામાં આવી છે જ્યાં પાર્કિંગની સુવિધા પણ હશે, એમ સેન્ટ્રલ રેલવેના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું.

ભારતીય રેલવેઝ કુર્લા, ઘાટકોપર, ભાંડુપ, મુલુંડ અને થાણે ખાતે એપ-આધારિત ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર સેવા (ઈ-ઑટો) અને સીએસએમટી અને કુર્લા ખાતે ઇલેક્ટ્રિક સાઇકલ સેવા (ઈ-સાઇકલ) થકી પ્રથમ વખત પરિવહન માટે પ્રદૂષણમુક્ત, સલામત અને ઝડપી વિકલ્પ પૂરો પાડી રહી છે, એમ સીઆરના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર શિવાજી સુતારે જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે ઈ-બાઇક્સને નોન-મોટરાઇઝ્ડ વાહન તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યાં છે, જે સ્કૂટર કરતાં હળવાં, સાઇકલ કરતાં ઝડપી અને મહત્તમ ૨૫ કિમી પ્રતિ કલાકની ઝડપ સાથે શહેરી ટ્રાફિક માટે તૈયાર કરવામાં આવ્યાં છે.