ગરવી તાકાત પાલનપુર : યુક્રેન અને રશિયાના યુદ્ધ વચ્ચે યુક્રેનમાં અભ્યાસ અર્થે ગયેલા અનેક ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા છે. જેના કારણે વિદ્યાર્થીઓ અને તેના વાલીઓમાં ચિંતાનો માહોલ છે. જોકે, ઓપરેશન ગંગા અંતગર્ત વિદ્યાર્થીઓને પરત લવાઇ રહ્યાં છે. ત્યારે પાટણ ખાતર આજે વહેલી સવારે 8 જેટલાં વિદ્યાર્થીઓ પરત આવતા પરિવારો મા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે બનાસકાંઠાના પાલનપુરમાં દીકરો યુક્રેનથી પરત આવતા લગ્ન જેવો માહોલ જોવા મળ્યો હતો.
પાલનપુરમાં પોતાનો લાડકવાયો દીકરો યુક્રેનથી પરત આવતા લગ્ન જેવો માહોલ જોવા મળ્યો છે. પાલનપુરના ભીલ પરિવારનો દિકરો સ્મિત ભીલ યુક્રેનમાં યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે અટવાયો હતો. આજે દીકરો યુક્રેનથી પરત આવતા પરિવાર સહિત પાડોશીઓ એકઠા થયા હતા અને ફટાકડા ફોડી દીકરાનું ભારતીય સંસ્કૃતિ અનુસાર વિધિવત્ ગૃહપ્રવેશ કરાવી ભવ્ય સ્વાગત કર્યું હતું. દિકરાના ગૃહ પ્રવેશ દરમ્યાન પરિવારમાં હરખના આંસુ જોવા મળ્યાં હતા. એક અઠવાડિયા અગાઉ દિકરો અટવાતા પરિવાર ચિંતામાં દિવસો પસાર કરી રહ્યો હતો. પરિવારજનો રોઈને દિવસો કાઢી રહ્યા હતા, ત્યારે આજે દિકરો ઘરે પરત ફરતા ખુશીના આંસુ જોવા મળ્યાં. ઢોલ નગારા સાથે પરિવાર નાચતો જોવા મળ્યો હતો
— પાટણમાં આજે વહેલી સવારે 8 વિદ્યાર્થીઓ પરત ફર્યા: યુક્રેનથી મિશન ગંગા અંતર્ગત પાટણ શહેરના 8 જેટલાં વિદ્યાર્થીઓ પરત આવતા પરિવારજનોમાં અનહદ ખુશી જોવા મળી હતી. માતાપિતા દ્વારા બાળકોને મળતાની સાથે જ ભેટી પડ્યા હતા અને હૃદયને સ્પર્શી જાય તેવા દ્રશ્યો પ્રેમના જોવા મળ્યા હતા, ત્યારે ઝી 24 કલાકની ટીમે પરત આવેલ વિદ્યાર્થીની નિયતિ પટેલ સાથે મુલાકાત કરી હતી અને યુક્રેન થી ભારત પરત સુધીના સફરની આપવીતી અંગે નિયતીએ જણાવ્યું હતું કે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરુ થતાની સાથે જ પ્રથમ એલાર્મ વાગતા જ અમને અલર્ટ કરી દીધા હતા. જે સ્થળ પર રહેતા હતા તે સ્થળથી તમામ સામગ્રી લઇને જગ્યા છોડી બંકરમા આશ્રય લીધો હતો.
ત્યારબાદ ભારત જવા માટે બોર્ડર સુધીની બસ મળી હતી. જેમાં બેસીને થોડુ અંતર કાપ્યું હતું. બસમાંથી ઉતારી દઈ થોડે સુધી ચાલીને જવું પડશે તેમ જણાવતા ગ્રુપના વિદ્યાર્થીઓ ચાલતા ચાલતા 40 થી 50 કિલોમીટરનું અંતર કાપીને ચેક પોસ્ટ ખાતે પહોંચ્યા હતા, ત્યાં વિદ્યાર્થીઓની ભારે ભીડ હતી અને ત્યાં બીજા દેશના લોકોને મહત્વ આપીને પોસ્ટ પાસ કરાવતા હતા. ભારતીય નાગરિકોને જવા મળતું નહતું. જેને લઇ ભારતીય વિદ્યાર્થીઓએ ત્યાં થોડી રાહ જોઈ હતી. બાદમાં બીજા દિવસે પોસ્ટ પાસ કરવા મળી હતી. અને ત્યાંથી પોલેન્ડ ચેક પોસ્ટ ખાતે ઘણી મુશ્કેલી વેઠી પહોંચ્યા ત્યાં પણ સ્ટેમ્પ કરવામાં મુશ્કેલી પડી હતી, પણ હિંમત દાખવી બોર્ડર પાસ કરતા અમને તરત જ એમબીસીની મદદ મળી હતી.
બસ થકી અમે હોટલમાં પહોંચ્યા જ્યાં તમામ સારી સુવિધા મળવા પામી હતી. જેથી સરકારનો ખુબ જ આભાર વિધાર્થીનીએ માન્યો હતો. પરિવારના સભ્યોમાં પણ અનેરી ખુશી જોવા મળી હતી અને તેમને પણ સરકારની કામગીરીને સરાહનીય જણાવી હતી.
તસવિર અને આહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર