ગુજરાતના માથા પર હાલ એકસાથે ત્રણ કુદરતી આફતો તાંડવ કરી રહી છે. એક તરફ ગુજરાતીઓ કોરોના મહામારીનો સામનો કરી રહ્યાં છે. બીજી તરફ, ચોમાસાને કારણે સર્વત્ર મેઘમહેર થઈ રહી છે. તો હવે ભૂકંપે  ગુજરાતીઓમાં ડરાવી દીધા છે.

આજે વહેલી સવારે સૌરાષ્ટ્રભરમાં 4.8ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આંચકા હળવા હોવાથી કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ઘરમાં રહેતો ભૂકંપનો ડર અને બહાર નીકળે તો વરસાદ અને કોરોનાનો ડર એ ફફડાટને માર્યે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. 

વહેલી સવારના ભૂકંપે ગુજરાતીઓને 2001ના ભૂકંપના યાદ અપાવી દીધી હતી, જેણે કચ્છમાં ભારે તારાજી સર્જી હતી. લોકો શેરીમાંથી અને દુકાનમાંથી બહાર નીકળી ગયા હતા. સૌરાષ્ટ્રમાં છેલ્લા બે મહિનાથી ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યાં છે, ત્યારે હવે કુદરત કયા ખેલ રચે છે તે ડર લોકોના મનમાં પેસ્યો છે. ભૂકંપનો આંચકો આવતા જ લોકો તાત્કાલિક બહાર દોડી ગયા હતા. ઘરમાં હોવાથી લોકો માસ્ક વગર હતા, તેથી માસ્ક પહેરવા પણ રોકાયા ન હતા.

એક તરફ કોરોના મહામારી, બીજી તરફ વરસાદ અને હવે ભૂકંપના આંચકા… આમ, લોકોને ક્યાં જવું અને ક્યાં ન જવું તે સમજાતુ નથી. એક તરફ ઉપરથી વરસાદ વરસી રહ્યો છે, તો નીચે પગતળે જમીન સરખી ગયાનો અનુભવ લોકોને ડરાવી દે તેવો છે. આવામાં વચ્ચે કોરોના મહામારી છે, જેના કેસ ચોમાસામાં કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે. આ વિચારીને જ ગુજરાતીઓમાં ભયનું લખલખુ પસાર થઈ જાય છે. 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના રેકોર્ડ કેસ સામે આવ્યા છે. રાજ્યમાં સતત ત્રીજા દિવસે 24 કલાકમાં 900થી વધુ કેસ નોંધાયા છે. આજે એક દિવસમાં સૌથી વધુ 925 કેસ સામે આવ્યા છે. તો છેલ્લા 24 કલાક દરમિયાન 10 લોકોના મૃત્યુ પણ થયા છે. તો હવે કુદરત શું કરવા બેઠી છે તેવું લોકો વિચારી રહ્યાં છે.