ઘર વિહોણા લોકોને પાકું સુવિધાયુક્ત આવાસ મળે તે માટે રાજ્ય સરકારની કટિબધ્ધતા:વિજયભાઇ રૂપાણી

મહેસાણા જિલ્લાના ઉંઝા નગરપાલિકા દ્વારા રામનગર ખાતે નિર્માણ થયેલ ૩૬૦ આવાસોનું ગાંધીનગર  ખાતેથી મુખ્યમંત્રીશ્રી દ્વારા  નાયબ મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ઇ-લોકાર્પણ કરાયું હતું આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોનાની મહામારીમાં પણ પ્રજાહિતના કામો કરવામાં આવેલ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૨૨ સુધીમાં તમામ લોકો પાસે ઘરનું ઘર હોય એવો સંકલ્પ જાહેર કર્યો છે ત્યારે તે દિશામાં નક્કર કામગીરી કરીને રાજ્ય સરકારે ૦૪ લાખ આવાસોનો ટાર્ગેટ પુર્ણ કરેલ છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં ઘરવિહોણાને પાકું અને સુવિધાયુ્કત આવાસ મળે  તે માટે સરકાર કટિબધ્ધ બની છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત લાખો આવાસો નિર્માણ કરી જરૂરીયાતમંદ નાગરિકો માટે છતનું નિર્માણ કર્યું છે.

સરકારશ્રી દ્વારા નિર્માણ પામે આવાસોમાં ગટર,પાણી,લાઇટ,રસ્તા,સફાઇ સહિત તમામ સુવિધાઓ આપવામાં આવી છે તેમ જણાવી ઘર મેળવનાર તમામ પરીવારોને શુભકામનાઓ પાઠવી હતી.

ઉંઝા નગરપાલિકા દ્વારા શહેરના રામનગર વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ટીપી-૦૭ ફાઇનલ પ્લોટ નં-૨૭૦ ખાતે ૩૬૦ આવાસોનું નિર્માણ કરાયેલ છે.૧૭૪૦૮.૧૧ ચોરસ મીટરના વિસ્તારમાં રૂ ૩૦.૬૦ કરોડના ખર્ચે ૩૬૦ ઇ.ડબલ્યુ.એસ-૨ આવાસોનું નિર્માણ કરાયું છે. રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારના પુરસ્કૃત લાભ સ્વરૂપે રૂ.૦૮.૫૦ લાખના ખર્ચે તૈયાર થયેલ આવાસ લાભાર્થીને રૂ.૦૫.૫૦ લાખના ખર્ચે ૪૦ ચોરસ મીટરના કાર્પેટ એરીયાનું મકાન આપેલ છે.

આવાસ યોજનામાં બે બેડ રૂમ એક હોલ રસોડું,શૌચાલય,બાથરૂમ ગેલેરી સહિતની સુવિધા છે. આ ઉપરાંત શંકુલમાં વીજળી,પાણી,ભુગર્ભ ગટરની વ્યવસ્થા,પાર્કિંગ,સ્ટ્રીટલાઇટ,સીસીરોડ,આંગણવાડી,બગીચો,કમ્પાઉન્ડ હોલ,પમ્પ રૂમ સહિત તમામ માળખાકીય સુવિધાથી સજ્જ આવાસનું નિર્માણ કરાયું છે.

Contribute Your Support by Sharing this News: