સૂત્રોના જણાવ્યાં મુજબ દરોડામાં બુધવાર સુધીમાં 50 કરોડ રૂપિયાની નોટોની ગણતરી પૂરી કરવામાં આવી હતી. પરંતુ નોટોની સંખ્યા એટલી બધી હતી કે મશીનો પણ હાંફી ગઈ
રાંચી તા. 07 – આવકવેરા વિભાગની ટીમે ઓડિશા અને ઝારખંડમાં બૌધ ડિસ્ટિલરીઝ પ્રાઈવેટ લિમિટેડ પર દરોડા માર્યા અને આ રેડમાં કંપની સંલગ્ન ઠેકાણાઓ પરથી ભારે સંખ્યામાં નોટોના બંડલો મળી આવ્યા છે. આવકવેરા વિભાગની આ કાર્યવાહી ઓડિશાના બોલાંગીર, સંબલપુર અને ઝારખંડના રાંચી, લોહરદગામાં હાથ ધરાઈ. જે હજુ પણ ચાલુ છે. સૂત્રોના જણાવ્યાં મુજબ દરોડામાં બુધવાર સુધીમાં 50 કરોડ રૂપિયાની નોટોની ગણતરી પૂરી કરવામાં આવી હતી. પરંતુ નોટોની સંખ્યા એટલી બધી હતી કે મશીનો પણ હાંફી ગઈ અને કામ કરતી બંધ થઈ ગઈ.
દરોડાની કાર્યવાહી દરમિયાન મળેલી કેશથી અંદાજો લગાવી શકાય કે બુધવાર સુધીમાં જ આવકવેરા વિભાગની ટીમે 50 કરોડ રૂપિયા કેશ જપ્ત કરીને તેની ગણતરી પણ કરી લીધી છે. જો કે આ રેડની કાર્યવાહી હજુ પૂરી થઈ નથી. આવકવેરા વિભાગના લોકો હજુ પણ બૌધ ડિસ્ટિલરીઝના ઠેકાણાઓ પર છે અને કાર્યવાહીને અંજામ આપી રહ્યા છે.
બૌધ ડિસ્ટિલરીઝ ઉપરાંત આવકવેરા વિભાગે ઝારખંડના એક પ્રસિદ્ધ ઉદ્યોગપતિ અને કારોબારી રામચંદ્ર રૂંગટાના ઠેકાણાઓ ઉપર પણ દરોડા માર્યા છે. તેમના રામગઢ, રાંચી અને અન્ય સ્થાનો પર સ્થિત ઘરો અને પ્રતિષ્ઠાનોમાં આવકવેરા વિભાગના દરોડા સવારથી ચાલી રહ્યા છે. એવું કહેવાય છે કે રામચંદ્ર રૂંગટાના રામગઢ અને રાંચીમાં આવેલા અનેક ઠેકાણાઓ પર સરવે ચાલી રહ્યા છે. આવકવેરા વિભાગના અધિકારીઓને અહીં સીઆરપીએફના જવાન સુરક્ષા આપી રહ્યા છે.
મળતી માહિતી મુજબ રામગઢ જિલ્લાના અનેક સ્થાનો પર આવેલી ફેક્ટરી અને ઘરમાં તપાસ ચાલુ છે. જ્યારે રામગઢ શહેરના પંજાબ નેશનલ બેંકની નજીક આવેલા રામચંદ્ર રૂંગટાના આવાસીય કાર્યાલયમાં પણ સવારથી અધિકારીઓ લાગેલા છે. અહીં પાંચ ગાડીઓથી અધિકારીઓ પહોંચ્યા છે.