સુરત ટ્યુશન ક્લાસમાં વીજફોલ્ટ બાદ લાગેલી આગમાં ૨૨ માસુમો ભડથું થઈ જતા ટ્યૂશન ક્લાસ અને વીજતંત્રની બેદરકારી બહાર આવી હતી. મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલા મારુતિ એપાર્ટમેન્ટ નજીક આવેલ વીજ ડીપીમાં બ્લાસ્ટ થવાની સાથે આગ લાગતાં કોમ્પ્લેક્ષમાંથી દુકાનદારો અને એપાર્ટમેન્ટના રહીશો પણ બહાર દોડી આવ્યા હતા. ડીપીમાં લાગેલી આગને દુકાનદારોએ પાણીનો મારો અને રેતી નાખી હોલવી દેતા મોટી જાનહાની ટળી હતી. જોકે સુરતમાં બનેલી ઘટના બાદ પણ વીજતંત્રની આડસ એવીને જ રહી હોવાની વાતો શરૂ થઈ ગઈ હતી.મોડાસા શહેર ના માલપુર રોડ પર જજીસ બંગ્લોઝની સામે અને મારુતિ એપાર્ટમેન્ટ નજીક આવેલી વીજડીપીમાં અચાનક શોર્ટ સર્કિટ થવાની સાથે બ્લાસ્ટ થતા આગ ફાટી નીકળી હતી. વીજ ડીપીમાં બ્લાસ્ટ થતા એપાર્ટમેન્ટમાં આવેલા દુકાનદારો અને ફ્લેટમાં રહેતા રહીશોમાં અફરાતફરી મચી હતી. દુકાનદારોએ વીજ તંત્રને જાણ કરતા વીજતંત્ર પહોંચે તે પહેલા આગ ભયાનક સ્વરૂપ પકડાતા વેપારીઓએ પાણીનો મારો ચલાવી અને રેતી-ધૂળ બાલટીમાં લઈ છંટકાવ કરી આગ હોલવાતા મોટી જાનહાની ટળી હતી.સાંઈ મંદિરથી ૧૦૦ મીટર દૂર અને સતત રાહદારીઓ અને વાહનોથી ધમધમતા માલપુર રોડ પર વીજડીપીમાં બ્લાસ્ટ થતા સદનસીબે બ્લાસ્ટ સમયે કોઈપણ વ્યક્તિ હાજર ન હોવાથી જાનહાની ટળી હતી.