મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઇલેકટોરલ બોન્ડના નામે થતી લૂંટ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ યોજી
મહેસાણા કોંગ્રેસના ઉમેદવારના નામની જાહેરાત એક બે દિવસમાં કરાશે – હસમુખભાઇ ચૌધરી
ગરવી તાકાત, મહેસાણા તા. 02 – લોકસભાની ચૂંટણી મુદ્દે રાજકિય ગરમાવો પ્રસર્યો છે ત્યારે તમામ રાજકિય પક્ષોએ ચૂંટણી જંગ જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે મહેસાણા લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી. આ મામલે તથા ભાજપ દ્વારા ઇલેકટોરલ બોન્ડના નામે ચંદા દો…ધંધા લો…કોન્ટ્રાક્ટ લો… લાંચ આપોની નિતી ભાજપ દ્વારા અપનાવવામાં આવતી હોવા મુદ્દે કોંગ્રેસ દ્વારા મહેસાણા ખાતે મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હસમુખભાઇ ચૌધરીના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી.
જ્યારે વધુમાં મહેસાણામાં હજુ કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરવામાં કેમ નથી આવ્યા તેવા સવાલના જવાબમાં હસમુખભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા હજુ સાત ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે. જેમાં મહેસાણાનો પણ સમાવેશ થાય છે પરંતુ એક બે દિવસમાં અમે ઉમેદવાર જાહેર કરી દઇશું. ઉમેદવારના નામોનું લીસ્ટ અમે હાઇકમાન્ડ સુધી મોકલી આપ્યું છે જે ઉમેદવારના નામની હાઇકમાન્ડ જાહેરાત કરશે તે ઉમેદવારને અમે ગામે ગામે બેઠકો બુથ લેવલના કાર્યકરોની મદદથી મહેસાણા જિલ્લાના ઉમેદવારને જીતાડીશું.
જ્યારે મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ સરકારની ઇલેકટોરલ બોન્ડના નામે ચંદા દો ધંધા લો કોન્ટ્રાક્ટ લો ..લાંચ આપો સહિતની લૂટનીતિનો પર્દાફાશ થયો છે. ઇલેકટોરલ બોન્ડ્સએ માત્ર ભારતનો જ નહીં પણ સમગ્ર વિશ્વના સૌથી મોટા કૌભાંડ પૈકીનું એક છે. બીજી બાજુ ગેર બંધારણીય અને બિન લોકતાંત્રિક રીતે કોંગ્રેસ પક્ષના એકાઉન્ટ ફ્રીજ કરી દેવાના ભાજપ સરકારના હથગંડા પણ સામે આવ્યાં છે. દવા બનાવવાવાળી અનેક કંપનીઓએ જેમની દવાના ટેસ્ટ ફેલ ગયા તેવી દવા બનાવતી કંપનીઓએ ઇલેકટોરલ બોન્ડથી ચંદા આપ્યાં છે.
આ પ્રેસ કોન્ફરન્સમાં મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હસમુખભાઇ ચૌધરી, વિરોધ પક્ષના નેતા કમલેશ સુતરીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ ભૌતિક ભટ્ટ, જયદિપસિંહ ડાભી સહિતના કોંંગ્રેસના આગેવાનો હાજર રહ્યાં હતા.
કઇ કઇ ફાર્મા સ્યુટીકલ કંપનીઓ દ્વારા કેટલા ઇલેકટોરલ બોન્ડના નામે ચંદા આપ્યાં
આ પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને સંબોધતાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હસમુખભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, ચંદા દો…ધંધા લો…કોન્ટ્રાક્ટ લો… લાંચ આપોની નિતી ભાજપ દ્વારા અપનાવવામાં આવી રહી છે. ભારતીય જનતા પાર્ટીએ દવા બનાવતી કંપનીઓની દવાના કેટલાક સેમ્પલ ફેલ થયા હોવા છતાં કંપનીઓએ પોતાના બચાવ માટે ચંદા દો ધંધા લો ની નિતી દ્વારા ઇલેકટોરલ બોન્ડ થકી ભાજપને ચંદા આપ્યાં છે. જેમાં ગુજરાતની ટોરેન્ટ ફાર્માસ્યુટીકલે બીજેપીને 61 કરોડ, સીપ્લા લીમીટેડ કંપનીએ 37 કરોડ, સન ફાર્માએ 31.5 કરોડ, ગુજરાતની ઇન્ટાસ ફાર્માસ્યુટીકલ કંપનીએ 20 કરોડ, ગ્લેનમાર્ક ફાર્માએ કંપનીએ 9.75 કરોડના ઇલેકટોરલ બોન્ડથી ચંદા આપ્યાં છે.