ગરવીતાકાત રાજકોટ: પશ્વિમ બંગાળમાં તબીબ પર હુમલાના પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડ્યા છે. આજે દેશભરના ડોક્ટરો હડતાળમાં જોડાયા છે. ત્યારે સૌરાષ્ટ્રમાં પણ સિવિલ અને ખાનગી હોસ્પિટલોના તબીબો હડતાળમાં જોડાયા છે. જેને લઇને દર્દીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઓપીડી બંધ રાખવામાં આવતા સવારના 7 વાગ્યાના દર્દીઓ લાઇનમાં ઉભા રહેતા વારો નહીં આવતા રોષ ભભૂક્યો છે અને દર્દીઓની કેસબારીએ લાંબી લાઇનો લાગી છે. ઇમરજન્સી વિભાગ ચાલુ રાખવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્રના 6 હજારથી વધુ ડોક્ટરો હડતાળ પર: સૌરાષ્ટ્રના 6 હજારથી વધુ ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે. જેમાં રાજકોટના 1650 ડોક્ટરો જોડાયા છે. દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે ઇમરજન્સી સારવાર ચાલુ રહેશે. તેમજ રાજકોટમાં સિવિલ હોસ્પિટલના જુનિયર ડોક્ટરો દ્વારા સિવિલથી કલેક્ટર કચેરી સુધી રેલી નીકળી હતી અને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં કલકત્તામાં તબીબ પર થયેલા હુમલા સખત શબ્દોમાં વખોડી કાઢી વિરોધ કર્યો હતો. રાજકોટ સિવિલમાં ઓપીડી ચાલુ હતી પરંતુ થોડીવારમાં ડોક્ટરોએ આવીને જ બંધ કરાવી ગયા હતા. વાંકાનેર સહિત સૌરાષ્ટ્રભરમાંથી આવેલા દર્દીઓને સારવાર મળી નથી. બીપી, ચક્કર, તાવ, શરદી જેવી બીમારીના દર્દીઓએ કહ્યું હતું કે સવારના હેરાન થઇએ છીએ.

શું કહે છે સિવિલ હોસ્પિટલના સત્તાધીશો: રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. મનિષ મહેતા અને ડીન ડો. ગૌરવા ધ્રુવીએ જણાવ્‍યું હતું કે રેસિડેન્‍ટ્‍સની હડતાળને પગલે ઇમરજન્સી અને ઓપીડીમાં દર્દીઓને કોઇ તકલીફ ન પડે તેવી વ્‍યવસ્‍થા ગોઠવાઇ ગઇ છે. મેડિકલ ઓફિસર અને ટ્યુટર્સની મદદથી તમામ ઓપીડીમાં કોઇને તકલીફ ન પડે તે રીતની વ્યવસ્થા ગોઠવાઇ છે. ઇમરજન્‍સીમાં પણ કોઇ મુશ્‍કેલી આવે તેમ નથી.

જામનગરમાં ફક્ત ઇમરજન્સી સેવાઓ કાળી પટ્ટી બાંધી ચાલુ રખાશે: કોલકતામાં ડોક્ટરો પર થયેલા હુમલાના ઘેરા પ્રત્યાઘાતો જામનગરમાં પણ પડ્યા છે અને આજે ઇમરજન્સી સિવાયની તમામ મેડિકલ સેવાઓથી ડોક્ટરો દૂર રહી એક દિવસની પ્રતિક હડતાળ પર જશે. બંગાળના કોલકતામાં બે ડોકરટરો પર થયેલા હુમલાનો વિરોધ દેશભરમાં થઇ રહ્યો છે ત્યારે જામનગર જી.જી. હોસ્પિટલના જુનિયર ડોક્ટર એસોસિએશને તા. 17ના પ્રતિક હડતાળનું એલાન કર્યું છે. જેમાં તમામ જુનિયર ડોક્ટરો સેવાથી અલિપ્ત રહ્યા છે. ફક્ત ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી છે. જે ઇમરજન્સીમાં ફરજ બજાવનાર તબીબોએ પણ કાળી પટ્ટી ધારણ કરી છે. શહેરની તમામ હોસ્પિટલો અને ડોક્ટરોએ આ હડતાલમાં જોડાવાનો કોલ આપ્યો છે.

મેડિકલ કોલેજમાં ડોક્ટરો એકત્રિત થયા હતા: શહેરની સર્મપણ જનરલ હોસ્પિટલે પણ હડતાળને ટેકો જાહેર કરી ઇમરજન્સી સિવાયની તમામ કામકાજ આજે બંધ રાખવાનું જણાવ્યું છે. હડતાળ પર ગયેલા ડોક્ટરો આજે સવારે મેડિકલ કોલેજમાં ભેગા થયા હતા અને ત્યાંથી આગળથી લડતની રણનીતી નક્કી કરી ખંભાળિયાના તબીબ મંડળ દ્વારા ઉગ્ર રોષની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી અને શનિવારે રાત્રે ઇન્ડિયન મેડિકલ એસો. ખંભાળિયાના તબીબોની એક રેલી જોધપુર ગેઇટથી નિકળી નગર ગેઇટ ચોકમાં સંપન્ન થઇ હતી. ડોક્ટર એસો.ના પ્રમુખ ડો. હમીર માડમ, સેક્રેટરી ડો. નિસર્ગ રાણીંગાની આગેવાની હેઠળ વિવિધ બેનરો સાથેની રેલીમાં સિનિયર ડોક્ટરો પણ જોડાયા હતા. તેમજ આજે સવારથી તમામ તબીબો તેમની ઓપીડી બંધ રાખી હડતાળ પર ઉતર્યા છે. 24 કલાકની હડતાલમાં ફક્ત ઇમરજન્સી સેવાઓ જ આપવામાં આવી રહી છે.

જૂનાગઢના 250 ખાનગી તબીબોની હડતાળ: જૂનાગઢમાં પણ ખાનગી તબીબો 24 કલાકની હડતાળ પર ઉતર્યા છે. જૂનાગઢ સ્થિત ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ એન. એમ. લાખાણી અને સેક્રેટરી સંજયભાઇ જાવીયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢમાં પણ અંદાજે 250થી વધુ ખાનગી તબીબો જડબેસલાક હડતાળ પપ ઉતર્યા છે. આ હડતાળના કારણે અંદાજીત 10,000થી વધુ દર્દીઓને સારવારથી વંચિત રહેવું પડશે અથવા સારવાર માટે રઝળવું પડશે, દોડધામ કરવી પડશે. અમારા દવાખાના તો બંધ જ રહેશે પરંતુ ડોક્ટરને ભગવાન માનનાર દર્દીઓના હિતાર્થે અને માનવતાના ધોરણે ઇમરજન્સીમાં જરૂર પડ્યે અમે સિવિલ હોસ્પિટલમાં ફ્રી સેવા આપવાની તત્પરતા જણાવી છે. કોડીનાર, વેરાવળ અને કેશોદ મેડિકલ એસોસીએશન પણ હડતાળમાં જોડાયું છે.

ઊનામાં મેડિકલ એસોસીએશન જોડાયું: ઊના-દીવ મેડિકલ એસોસિએશન દ્વારા પણ હડતાળ જાહેર કરવામાં આ‌વી છે. જેમાં ડો.દેવમુરારી, ડો.જાની, ડો.બલદાણીયા, ડો.કટારીયા, ડો.ડી.ડી.સોલંકી, ડો.માંડલીયા, ડો.વેશ્ય, ડો.પરમાર, ડો.સોલંકી, ડો.વકીલ સહિતનાં દવાખાના બંધ રાખશે.જૂનાગઢ શહેરની તમામ ખાનગી હોસ્પિટલો, ક્લિનીકો, નર્સિંગ હોમ, લેબોરેટરીઝ તેમજ રેડીયોલોજીસ્ટો હડતાળમાં જોડાયા છે.

Contribute Your Support by Sharing this News: