પશ્ચિમ બંગાળમાં તબીબો પર થયેલા હુમલાના ઘેરા પ્રત્યાઘાત દેશભરમાં પડ્યા છે. ત્યારે આવતીકાલે ગુજરાતમાં પણ ડોક્ટરો હડતાળ પર જશે. ઈન્ડિયન મેડિકલ એસોશિએસને આવતીકાલે હડતાળનું એલાન કર્યું છે.

અમદાવાદના આશ્રમરોડ પર ડોક્ટર્સ ધરણાં યોજીને વિરોધ પ્રદર્શન કરશે. તો ડેપ્યુટી સીએમ નીતીન પટેલે પણ ડોક્ટરોને હડતાળ પર ના જવા માટે અપીલ કરી છે. કારણ કે જો ડોક્ટરો હડતાળ પર જાય તો આરોગ્ય સેવા પર વ્યાપક અસર થશે. જેથી સિવિલ હોસ્પિટલમાં પણ સિનિયર ડોક્ટર્સને રાઉન્ડ ધ ક્લોક ડ્યૂટી સોંપવામાં આવી છે, પણ આ દરમિયાન ઈમરજન્સી સેવા યથાવત રહેશે જ્યારે ઓ પી ડી ઓપરેશન બંધ રહેશે.

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાની એનઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક દર્દીના પરિજનોએ બે ડૉક્ટરો પર કથિત હુમલો કર્યો હતો, જેમાં બંને ડૉક્ટર ગંભીર રીતે ઘાયલ થયા હતાં. ત્યાર બાદ મંગળવારથી જ જૂનિયર્સ ડૉક્ટર હડતાળ પર ચાલી રહ્યા છે. વિવાદના મૂળમાં જે દર્દી છે તેનું મોત હોસ્પિટલમાં જ થયું હતું. તબીબોએ કહ્યુ હતુ કે જ્યાં સુધી પરિવારજનો તેમનાથી માફી નહીં માંગે અમે પ્રમાણપત્ર આપીશું નહીં.

Contribute Your Support by Sharing this News: