ગરવીતાકાત,થરાદ: થરાદમાં GSFC સરદાર કિસાન સેવા કેન્દ્રમાં બે દિવસથી ધક્કા ખાવા છતાં પણ કીટ નહી મળવાના મુદ્દે તાલુકાના બહોળી સંખ્યામાં ધસી આવેલા ખેડુતોએ ભારે હોબાળો મચાવ્યો હતો.

જો કે દોડી આવેલા ખેતીવાડી વિભાગના સુત્રોએ ૨૫૦ કીટની સરખામણીએ બહોળી સંખ્યામાં ખેડુતો ધસી આવતાં આ સમસ્યા ઉભી થવા પામી હોવાનું જણાવી ખેડુતોને ગ્રામસેવકની સહી અથવા તો ખેતીવાડી વિભાગનો સંપર્ક કરવાથી મળવાપાત્ર હશે તેમને પણ કીટ મળી રહેશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું.થરાદમાં આવેલા GSFC સરદાર કિસાન સેવા કેન્દ્ર દ્રારા તાલુકાના ખેડુતોને સરકાર દ્રારા ત્રણ યોજના અંતર્ગત આપવામાં આવી રહેલી બાજરી (ફ્રી કીટ), મગ અને એરંડા સહિતની પચાસ ટકાની સબસીડીવાળી કીટનું વિતરણ કરાય છે. બે દિવસથી આ બિયારણની કીટ લેવા માટે બહોળી સંખ્યામાં ખેડુતો આવ્યા હતા. જો કે તેમને કીટ નહી મળતાં ખેડુતોમાં ભારે રોષ સાથે આક્રોશની લાગણી ફેલાવા પામી હતી.આ અંગે ખેડુતોએ જણાવ્યું હતું કે કેન્દ્રના સંચાલક દ્રારા આવેલા તમામ ખેડુતોના ફોર્મ લઇ લેવામાં આવ્યા હતા.

પરંતુ વ્હાલાદવલાની નિતી અપનાવીને કેટલાક ખેડુતોને કીટ આપી દેવાતાં બાકીના સાંજ સુધી રાહ જોઇને બેસી રહ્યા હતા. આથી ફોર્મ શુ કામ લઇને તેમને રાહ જોવડાવી ધક્કા ખવડાવ્યા તેમ કહીને હોબાળો મચાવ્યો હતો. કેટલાક ખેડુતોએ સંચાલક દ્રારા ફ્રી કીટના પૈસા લઇને તેમજ ગોડાઉનમાં કીટ હોવા છતાં પણ વધુ ભાવ લઇને રાત્રે બારોબાર આપવાના વેંતમાં હોવાના તેમજ તેમનાં ફોર્મ લઇને ફેંકી દીધાં હોવાનો પણ આક્ષેપો કરતાં થરાદની ખેતીવાડી કચેરીના વિસ્તરણ અધિકારી ભરતભાઇ પટેલ દોડી આવ્યા હતા.

તેમણે ખેડુતોને બાજરીની માત્ર ૧૮૦ તથા ૭૦ કીટ હરીજન ખેડુતોને ફ્રી આપવાની થાય છે અને ગ્રામસેવક દ્રારા જે પણ ખેડુતોને તેમની ખેતી અને ઉત્પાદના આધારે જાણ કરવામાં આવી હોય તેમને મળવાપાત્ર થાય છે પરંતુ બહોળી સંખ્યામાં ખેડુતો આવતાં તમામને સંભવ નહી હોઇ તેમણે રોષ વ્યક્ત કર્યો હતો. જો કે વિસ્તરણ અધિકારીએ પચાસ ટકા સહાય વાળી કીટ વિતરણ બાકી હોઇ શક્ય હશે તેટલા ખેડુતોને આવરી લઇને કીટ આપવામાં આવશે તેવું આશ્વાસન પણ આપ્યું હતું

Contribute Your Support by Sharing this News: