Jagdish Thakor-Khiladi- (2)

 બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના મેરા ગામે ખેત મજુરી કરતા ઠાકોર વસરામજી ચમનજીના ઘરે તા.01/06/1992 ના રોજ એક બાળકનો જન્મ થયો. બાળકનો જન્મ થવાથી પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો. આ બાળકનું નામ જગદીશ રાખવામાં આવ્યું હતું. પણ થોડાક મહિના બાદ આ પરિવાર પર જાણે દુ:ખોનું આભ તૂટી પડ્યું, જયારે એમને જાણ થઇ કે તેમના ઘરે જન્મ લેનાર પુત્ર જમણા પગે દિવ્યાંગ છે અને બિલકુલ ચાલી શકવા સક્ષમ નથી. પણ પરિવારે ધિરજ સાથે કામ લઈ બાળકની સારવાર ચાલુ કરાવી, ઘણી બધી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી પણ કોઈ ચોક્કસ પરિણામ મળ્યું નહીં પરંતું દિકરાની ખુશી માટે હાર માને તે મા નહીં.

બાળક જગદીશની માતા પોતાના વ્હાલસોયા દિકરાના પગે દરરોજ કલાકો સુધી માલિશ કરતી, જેના પરિણામે બાળક જગદીશ થોડું થોડું ચાલતા થયો. બાળપણનું પ્રાથમિક શિક્ષણ મેરા પ્રાથમિક શાળામાં લીધુ ત્યારબાદ માધ્યમિક શિક્ષણ અમદાવાદ ખાતે લીધુ. તેઓ જયારે કોલજમાં હતા ત્યારે તેઓ એક વાર નેશનલ ક્રિકેટ રમવા માટે ગયા, ત્યાં તેમની સાથે અમદાવાદ ’’ધી સોસાયટી ફોર ફીજીકલી હેન્ડીકેપ્ડ- અમદાવાદ’’ના ટીમ મેનેજરે તેમની ક્રિકેટમાં ઝડપ જોઇને તેમને એથ્લેટીક્સ રમતમાં દોડમાં ભાગ લેવા જણાવ્યું હતું. રાજય સરકાર દ્વારા 2010 માં ખેલ- મહાકુંભની શરૂઆત કરવામાં આવી જેમાં તેઓએ રાજ્ય કક્ષાએ ભાગ લેતા, 100 મીટર દોડ- ગોલ્ડ મેડલ, 200 મીટર દોડ સિલ્વર મેડલ અને લાંબી કુદ- ગોલ્ડ મેડલ મેળવ્યા હતાં. રાજ્ય કક્ષાએ ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા બાદ તેમના જુસ્સામાં વધારો થયો, હવે તેમણે આગળ તૈયારી કરવા માટે એક કોચની જરૂર હતી, એવા સમયે તેમને માહિતી મળી કે દિયોદર ખાતે શ્રી વી. કે. વાઘેલા હાઈસ્કુલમાં કોચિંગ ચાલે છે, ત્યાં જઈને તેઓએ કોચ શ્રી ગોરધનભાઈ ભાટીને બધી વાત કરી, શ્રી ભાટીએ તેમને કોચિંગ અને તમામ પ્રકારની મદદ કરવાની તૈયારી દર્શાવી. તેઓએ ત્યાં ૧ વર્ષની તાલીમ લીધી ત્યારબાદ ઉત્તરપ્રદેશ ખાતે ખાતે આયોજિત ૧૫મી સિનિયર પેરા નેશનલ એથ્લેટીક્સ ચેમ્પીયનશીપ-૨૦૧૫માં 100 મીટર દોડ- ગોલ્ડ મેડલ, 200 મીટર દોડ- ગોલ્ડ મેડલ, લાંબી કુદ- સિલ્વર મેડલ મેળવ્યા.  ત્યારબાદ વધુ સઘન તાલીમ અર્થે  એથ્લેટીક્સ હેડ કોચ શ્રી ડૉ. મનસુખભાઈ તાવેથીયા અને તેમના એસોશિયેશન ધી સોસાયટી ફોર ફીજીકલી હેન્ડીકેપ્ડ- અમદાવાદના સેક્રેટરી શ્રી કાંતિભાઈ પરમારની રજૂઆતના આધારે તેઓને વર્ષ- 2015 માં સ્પોર્ટ્સ એથોરીટી ઓફ ગજરાતના ડાયરેકર જનરલ સંદીપ પ્રધાન દ્વારા ખાસ કિસ્સામાં તેમને નડિયાદ ખાતે કોચ શ્રી ડૉ. મનસુખભાઈ તાવેથીયાના માર્ગદર્શન હેઠળ પસંદગી કરવામાં આવી. નડિયાદ ખાતે તેમને વૈજ્ઞાનિક ઢબે તાલીમ, પૌષ્ટિક આહાર, સપ્લીમેન્ટસ, કીટ, જીમ, સ્પોર્ટ સ્ટાફ જેવી ખેલાડીને જરૂરી તમામ સુવિધા મળી, જેથી તેમણે 1 વર્ષની સઘન તાલીમ બાદ હરિયાણા ખાતે આયોજિત 16 મી સિનિયર પેરા નેશનલ એથ્લેટીક્સ ચેમ્પીયનશીપ-2016માં 100 મીટર દોડ- ગોલ્ડ મેડલ, 200 મીટર દોડ- ગોલ્ડ મેડલ, લાંબી કુદ- સિલ્વર મેડલ મેળવી, 100 મીટર દોડ-12.99 સેકન્ડ અને 200 મીટર દોડ- 27.98 સેકન્ડમાં પૂર્ણ કરી બન્ને રાષ્ટ્રીય રેકોર્ડ તેમના નામે કર્યા. ત્યારબાદ 2016 મે મહિનામાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા, ગાંધીનગર ખાતે પેરા વિભાગની એક નવી યોજના હેઠળ તેમની પસંદગી કરવામાં આવી, ત્યાં તેમના કોચ શ્રી અપૂર્બા બિસ્વાસ દ્વારા ખુબ સારી તાલીમ આપવામાં આવી. અમુક સમય બાદ ફરીથી તેઓ નડિયાદ ખાતે એક્સપર્ટ કોચ શ્રી અજીમોનના માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવી ઇન્ડોનેશિયા ખાતે આયોજિત ૩જી એશિયન પેરા ગેમ્સ-2018માં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરી 100 મીટર દોડ અને 200 મીટર દોડમાં પાંચમો નંબર મેળવી ઈતિહાસ રચ્યો.

      શ્રી જગદીશભાઇ ઠાકોર તેમની આ સફળતાનો યશ તેમના પરિવાર, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, તમામ કોચશ્રીઓ, એસોસિએશન અને સમાજને આપે છે.

સિદ્ધિઓ:-

        ઇન્ડોનેશિયા ખાતે આયોજિત 3જી એશિયન પેરા ગેમ્સ-2018માં ભાગ લીધેલ છે.

        ઉત્તરપ્રદેશ ખાતે આયોજિત 15મી સિનિયર પેરા નેશનલ એથ્લેટીક્સ ચેમ્પીયનશીપ-2015માં 100 મીટર દોડ- ગોલ્ડ મેડલ, 200 મીટર દોડ- ગોલ્ડ મેડલ, લાંબી કુદ- સિલ્વર મેડલ મેળવેલ છે.

        હરિયાણા ખાતે આયોજિત 16મી સિનિયર પેરા નેશનલ એથ્લેટીક્સ ચેમ્પીયનશીપ-2016માં 100 મીટર દોડ- ગોલ્ડ મેડલ, 200 મીટર દોડ- ગોલ્ડ મેડલ, લાંબી કુદ- સિલ્વર મેડલ મેળવેલ છે.

        રાજસ્થાન ખાતે આયોજિત 17મી સિનિયર પેરા નેશનલ એથ્લેટીક્સ ચેમ્પીયનશીપ-2017માં 100 મીટર દોડ- ગોલ્ડ મેડલ, 200 મીટર દોડ- ગોલ્ડ મેડલ મેળવેલ છે.

        બેંગ્લોર ખાતે આયોજિત ઇન્ડિયન ઓપન પેરા એથ્લેટીક્સ ચેમ્પીયનશીપ-2018માં 100 મીટર દોડ- ગોલ્ડ મેડલ, 200 મીટર દોડ- ગોલ્ડ મેડલ મેળવેલ છે.

અન્ય સિદ્ધિઓ:

        જગદીશ ઠાકોર હાલમાં નડિયાદ ખાતે ડીસ્ટ્રીક કોચ (Class-II Officer) તરીકે ફરજ બજાવે છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા વર્ષ: 2014-15 માં સરદાર પટેલ જુનિયર એવોર્ડઅને વર્ષ:2015-16 માં સરદાર પટેલ સિનિયર એવોર્ડમળેલ છે.

        સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત તરફથી વર્ષ-2018 માં ખેલ-પ્રતિભા પુરસ્કાર મળેલ છે.

સમાજનું યોગદાન:

        તેમની આ બહુમુલ્ય સિદ્ધિની કદર કરતા તેમને તલવાર, ટ્રોફી, પ્રમાણપત્રો, શાલ, શિલ્ડ દ્વારા ઠાકોર સમાજ દ્વારા તેમનું 50 થી વધારે વખત જાહેર સન્માન કરવામાં આવ્યું છે.

Contribute Your Support by Sharing this News: