ગરવીતાકાત,અમદાવાદ(તારીખ:૧૫)

સામુહિક આરોગ્ય કેન્દ્ર વિરમગામ ખાતે આયોજીત કેમ્પમાં ૪૫૦થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો

ભારત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, અમદાવાદ જીલ્લા વહિવટી તંત્ર, અલીમ્કો તથા તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામના સંયુક્ત ઉપક્રમે સામુહિક આરોગ્ય કેન્દ્ર વિરમગામ ખાતે દિવ્યાંગ સહાય તપાસ કેમ્પ યોજાયો હતો. જે લાભાર્થીએ દિવ્યાંગ સર્ટીફિકેટ  બનાવેલ હોય, દિવ્યાંગ સર્ટીફિકેટ ના હોય અથવા વયોશ્રી યોજનામાં હોય તેવા લાભાર્થીઓને બહેરાશ, અંધાપો કે અન્ય ઉંમરના કારણે થતી તકલીફોમાં મદદરૂપ થવા માટે તેઓને જરૂરી સાધન સહાય આપવા માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર વિરમગામ ખાતે બે દિવસ એસેસમેન્ટ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પને સફળ બનાવવા માટે મદદનીશ કલેકટર સુરભી ગૌતમ, મામલતદાર કુંજલ શાહ, તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, ડો.આર જી વાઘેલા,  કે.એમ. મકવાણા, નીલકંઠ વાસુકીયા, ગૌરીબેન મકવાણા, જયેશ પાવરા, અજીતસિંહ લકુમ, જયેશભાઇ પટેલ સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.

તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, જે લાભાર્થીએ દિવ્યાંગ સર્ટીફિકેટ  બનાવેલ હોય, દિવ્યાંગ સર્ટીફિકેટ ના હોય અથવા વયોશ્રી યોજનામાં હોય તેવા લાભાર્થીઓને દિવ્યાંગ સહાય તપાસ કેમ્પમાં નામ નોંધાવી ડોક્ટર પાસે એસેસમેન્ટ કરાવ્યા પછી લાભાર્થીની શારીરીક જરૂરીયાત મુજબના મળવાપાત્ર સાધનો પૈકીના વોકર, ચાલવા માટેની લાકડી, વ્હીલચેર, હાથ ઘોડી, દાંતનું ચોકઠુ, ચશ્માના નંબર, સાંભળવાનું મશીન જેવા સાધનો માટે નામ નોંધવામાં આવ્યા હતા. સામુહિક આરોગ્ય કેન્દ્ર વિરમગામ ખાતે આયોજીત કેમ્પમાં ૪૫૦થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો.

તસ્વીર અહેવાલ વંદના નીલકંઠ વાસુકિયા  વિરમગામ