ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા ના અણઘડ અને ભ્રષ્ટ વહીવટને પગલે પાલિકાને કરોડોનો ચૂનો લાગે તેવી સ્થિતિ વચ્ચે પાલિકાના પદાધિકારીઓ સાથે બોર્ડમાં બહુમતિના જોરે મંજુર મંજુર કરનારા નગરસેવકો પણ દંડાય અને પ્રત્યેક નગરસેવકને લાખો રૂપિયા ભરવા પડે તેવા અણસાર વર્તાઈ રહ્યા છે. સદરપુર ગામ નજીક નગરપાલિકા દ્વારા વર્ષોથી ગંદા પાણીના નિકાલના સ્થળે ભાજપની બોડી દ્વારા પરવાનગી વિના જ રાજીવ ગાંધી આવાસ યોજના અંતર્ગત ૧૫૦૦ જેટલા આવાસો બનાવાયા હતા. અને પાલિકાના તત્કાલિન ચિફ ઓફિસર દ્વારા આ ૨૦ એકર જમીનની ઓકસીડેશન પોન્ડ માટે જરૂરીયાત ન હોવા અંગે જિલ્લા કલેકટર સમક્ષ દરખાસ્ત કરવામાં આવી હતી. જેમાં ઓકસીડેશન પોન્ડ માટે ફાળવેલી જગ્યાનો હેતુફેર થતો હોઇ જિલ્લા કલેકટરે આ જમીન શ્રીસરકાર કરવાનો હૂકમ કર્યો હતો. જોકે, તત્કાલિન ચિફ ઓફિસર આ હૂકમ સામે મહેસૂલ સચિવને અપીલ કરી હતી. જેની પુનઃ વિચારણામાં જિલ્લા કલેકટરે પુનઃ આ જમીન શ્રી સરકાર કરવાનો હૂકમ કર્યો છે. જેને પગલે ચકચાર મચી જવા પામી છે.

ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા દ્વારા સદરપુર નજીક બનાવવામાં આવેલા રાજીવ ગાંધી આવાસ યોજનાના મકાનો શરૂઆતથી જ વિવાદમાં સપડાયા હતા. જેમાં પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં રાજીવગાંધી આવાસ યોજના હરિપુરા વિસ્તારમાં આવેલા સર્વે નં.૧૨૮ અને ૧૨૯ માં બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા મંજુરી આપવામાં આવી હતી. પરંતુ તેને કોઈ કારણસર બદલીને સ્થળાંતર કરી પાલનપુરથી દસ કિલોમીટર દૂર સદરપુર ગામની સીમમાં સર્વે નં.૮૫ માં બનાવવાનું શરૃ કરવામા આવ્યુ હતુ. જેમાં સર્વે નં.૮૫ ની જગ્યા ૧૯૮૬ માં પાલનપુર નગરપાલિકાને ગટર યોજનાના ઓક્સીડેશન પોન્ડ માટે ફાળવવામાં આવી હતી. જેમાં વર્ષોથી ગંદા પાણીનો નિકાલ થઈ રહ્યો છે. તેની બાજુમાં જ રૂપિયા ૭ કરોડના ખર્ચે જી.યુ.ડી.સી.ગાંધીનગર દ્વારા બનાવવામાં આવેલ લેન્ડ ફીલસાઈટ ઘન કચરાના નિકાલ માટે બનાવેલ છે. દરમિયાન આ ૩૫૦૦૦ ચોરસ ફૂટ જમીન ઓકસીડેશન પોન્ટ માટે જરૂરીયાત ન હોઇ આ જમીન રાજીવ ગાંધી આવાસ યોજના માટે ફાળવવા માટે નગરપાલિકાના તત્કાલિન ચિફ ઓફિસરે નાયબ કલેકટરને દરખાસ્ત કરી હતી. આથી વર્તમાન કલેકટર સંદીપ સાગલે દ્વારા તપાસ કરી સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

જેમાં ૩૫ એકર જમીન પૈકી બાકી રહેતી ૨૦ એકર જમીન ભુર્ગભગટર યોજના અને ઓકસીડેશન પોન્ડ માટે રાખેલી હતી. જેનો કાર્યસાધક ઉપયોગ થયેલ નથી. જે હેતુ માટે ગ્રાન્ટ કરેલ તે હેતુ માટે ઉપયોગ થયેલ નથી. જેથી, ગ્રાન્ટના હુકમની શરતોમાં ભંગ થાય છે. તેમજ નગરપાલિકાએ આ જમીનની જરૂરીયાત ન હોવાનું જણાવી તેના ઉપર પરવાનગી વગર રાજીવ ગાંધી આવાસ યોજનાના મકાનો બનાવી સ્પષ્ટપણે શરતભંગ કરેલો હોવાથી આ જમીન શ્રીસરકાર કરવાનો હૂકમ કર્યો હતો. જોકે, તત્કાલિન ચિફ ઓફિસરે આ હૂકમ સામે મહેસૂલ સચિવને અપીલ કરી હતી. આથી મહેસૂલ સચિવે આ હૂકમને પુનઃ વિચારણા માટે કલેકટરને પરત કર્યો હતો. જેની પુનઃ વિચારણામાં જિલ્લા કલેકટર સંદિપ સાંગલેએ પુનઃ આ જમીન શ્રી સરકાર કરવાનો હૂકમ કર્યો છે.

Contribute Your Support by Sharing this News: