મહેસાણા ઉમેદવાર પદે નિતીનભાઇ પટેલ અથવા તો ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ એમ.એસ.પટેલને નામની શક્યતાં
હાલમાં ભાજપ દ્વારા રાજકિય પરિબળની સમીક્ષા કરવામાં આવી રહી છે
લોકસભાની ચૂંટણીના બ્યુગલ ફૂંકાય તે અગાઉ મહેસાણાના ઉમેદવારોના નામની ચર્ચા
ગરવી તાકાત, મહેસાણા તા. 13 – લોકસભાની ચૂંટણી નજીક આવતાં જ મહેસાણામાં લોકસભાની બેઠક પર કયા ઉમેદવારને ટિકીટ અપાશે તેવો રાજકિય ગણગણાટ અત્યારથી જ શરુ થઇ ગયો છેે. ત્યારે મહેસાણા ઉમેદવાર પદે નિતીનભાઇ પટેલ અથવા તો ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ એમ.એસ.પટેલને નામની ચર્ચા થઇ રહી હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી હતી તો બીજી તરફ હાલમાં ભાજપ દ્વારા રાજકિય પરિબળની સમીક્ષા કરવામાં આવી રહી છે.
લોકસભાની ચૂંટણીના બ્યુગલ ફૂંકવાની તૈયારીમાં છે. આગામી ટૂંક સમયમાં જ લોકસભાની ચૂંટણીની તબક્કાવાર તારીખો જાહેર થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. તે જોતાં લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો મેળવવા ભારતીય જનતા પાર્ટીએ કમરકસી છે. આગામી સમયમાં લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાંની સાથે જ ગુજરાતમાં ભાજપના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે.
ત્યારે મહેસાણા લોકસભાની બેઠક પર ભાજપ કોને મેદાનમાં ઉતારે છે તેવી રાજકિય ચર્ચાઓ મહેસાણા જિલ્લામાં તેજ બની છે. ત્યારે હાલમાં ચર્ચાતાં નામો મુજબ મહેસાણા લોકસભાની બેઠક પર ભાજપ મહેસાણાના ઉમેદવાર તરીકે પૂર્વ ના. મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ અથવા તો ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ એમ.એસ.પટેલને ટિકીટ અપાય તેવી શક્યતાઓ સેવાઇ રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી લોકસભાની ચૂંટણીને લઇને હાલમાં રાજકિય પરિબળોને સમીક્ષા કરવામાં આવી રહી છે જેથી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકોમાંથી 26 બેઠકો જીતવાના લક્ષ્યમાં ક્યાંક કાચુ ન કપાઇ જાય તે જોતાં મજબૂત રાજકિય પરિબળની પસંદગી કરવામાં આવી રહી છે. ત્યારે મહેસાણા લોકસભાની ઉમેદવાર તરીકે નિતીનભાઇ પટેલ ફીટ બેસે તેમ છે. મહેસાણા જિલ્લો ભાજપનો ગઢ માનવામાં આવે છે. મહેસાણામાં લોકસભા હોય કે વિધાનસભા ભાજપનું પલ્લું જ ભારે જોવા મળે છે.
એ જોતાં નિતીનભાઇ પટેલના નામની ચર્ચા મહેસાણા જિલ્લાના રાજકિય વર્તુળોમાં ચાલી રહી છે. તો બીજી તરફ નિતીનભાઇ પટેલ મહેસાણા જિલ્લામાં સારી નામના ધરાવતાં હોવાથી જો તેમને ટિકીટ અપાય તો વગર મહેનતે ભાજપ મેદાન મારી જાય તેમ છે. તો બીજી તરફ નિતીનભાઇ પટેલ પાટીદાર સમાજમાં આવતાં હોવાથી મહેસાણા જિલ્લામાં પાટીદારનો એક મોટો વર્ગનો લાભ પણ આસાનીથી મળી શકે તેમ છે.