મહેસાણામાં દરેક લોકો માટે કાયદો એક સમાન કાર્ય નથી કરી રહ્યો, આવો આરોપ કોંગ્રેસના નેતાએ લગાવ્યો છે. કોંગ્રેસ દ્વારા ધરણાની પરમીશન માંગવામાં આવે ત્યારે તંત્ર દ્વારા ઈનકાર કરી દેવામાં આવતો હોય છે. જેમાં તંત્ર દ્વારા કોરોના ગાઈડ-લાઈન તથા હાલમાં એમીક્રોનનુ બહાનુ આગળ ધરી પરમીશન આપવામાં આવતી નથી. વિરોધ પક્ષ દ્વારા ધરણાનુ એલાન કરવામાં આવે ત્યારે વહેલી સવારે જ અટકાયત કરી લેવાનો આરોપ મુકવામાં આવ્યો છે.
મહેસાણા કોંગ્રેસના ઘનશ્યામ સોંલકી, ભૌતીક ભટ્ટ, શૈલેષભાઈ ચૌધરી, અમીત પટેલ સહીતના આગેવાનોએ કલેક્ટરને મળી પક્ષપાતી વલણ છોડવા જણાવ્યુ હતુ. રજુઆતમાં કોંગ્રેસે કહ્યુ કે,અમારી પાર્ટીને કોરોના ગાઈડલાઈન આગળ ધરી કાર્યક્રમોને પરમીશન આપવામાં આવતી નથી. જેની સામે ભાજપ દ્વારા મોટા – મોટા કાર્યક્રમો, વરઘોડા કાઢવામાં આવે છે. તો શુ ભાજપના આ કાર્યક્રમોથી કોરોના ફેલાશે નહી ?
કોંગ્રેસે જણાવ્યુ હતુ કે, છેલ્લા 4 માસ દરમ્યાન અમારી પાર્ટીના કાર્યકરોની ધરપકડ કરવા 188ની કલમ દાખલ કરવામાં આવી હતી. એની સામે ભાજપના કાર્યક્રમો વિરૂધ્ધ તમે ક્યા પગલા લીધા ? કોંગ્રેસ પક્ષ માટે દિલ્હીથી નવી કોરોના ગાઈડ લાઈન આવી હોય તો તેની નકલ રજુ કરવામાં આવે. આ સીવાય કોંગ્રેસે એમ પણ જોડ્યુ હતુ કે, ભાજપના લોકો માટે જો અલગથી કોઈ વિશિષ્ઠ રસી બનાવવામાં આવી હોય તો કોંગ્રેસ પક્ષ માટે પણ તે ઉપલબ્ધ કરાવવામાં આવે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા 6 મહીના દરમ્યાન કોંગ્રેસ દ્વારા અનેકવાર ધરણા પ્રદર્શન મામલે તંત્ર પાસે પરમીશન માંગવામાં આવી હતી પરંતુ પ્રશાસને રીતસર રાજકીય કીન્નાખોરી દાખવીને વિરોધ પક્ષને પરવાનગી આપવાનો ઈનકાર કર્યો હતો. તેમ છતાં કોંગ્રેસ દ્વારા ધરણા યોજવામાં આવતા પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી.