પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

પાલનપુરમાં મહિલાને માર મારી પુત્રીને ઉપાડી જવાની ધમકી: પાલનપુરમાં રહેતી એક મહિલાના ઘરે જઈ તેણીને માર મારી પેટના ભાગે લાત મારી અને તેણીની દિકરીને ઉપાડી જવાની ધમકી આપવામાં આવી હોવાની ફરીયાદ મહિલાએ પાલનપુર શહેર પૂર્વ પોલીસ મથકે નોંધાવતા  પોલીસે તેણીની ફરીયાદ આધારે તપાસ હાથ ધરી છે. બનાવની વિગત એવી છે કે પાલનપુરના દિલ્હીગેટ પાસે બ્યુટીપાર્લરનું કામ કરતી એક મહિલાના ઘરે આવીને નરેન્દ્ર ઉર્ફે નિલેશ ગુલબાણી (રહે.પાલનપુર) વાળાએ તેણીનો મોબાઈલ લઈ કહેલ કે તુ કોની સાથે ફરવા જાય છે તેમ કહી ગડદાપાટુનો માર મારતા મહિલાની દિકરીએ તેના સબંધીને ફોન કરી બોલાવતા તેઓ આવતા અને સમજાવવા જતા તેમની સાથે પણ બિભત્સ વર્તન કરી અને મહિલાને પેટના ભાગે લાત મારી તેમજ તેણીની દિકરીને ઉપાડી જવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પાલનપુરમાં ગેરેજ સંચાલક સામે કાર્યવાહી: પાલનપુરમાં વડલીવાળા પરા નજીક કંથેરીયા હનુમાન રોડ પર ગેરેજ ચલાવતા કમલેશકુમાર બારોટની ગેરેજમાં રીપેરીંગ માટે આવતા જતા વાહનોનું રજીસ્ટર ન નિભાવી રીપેરીંગ કરી અને જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરતા હોઈ આ બાબતે પાલનપુર એસ.ઓ.જી. પી.એસ.આઈ વી.એસ.સિંધવે જાહેરનામાના ભંગ બદલ તેની સામે પાલનપુર શહેર પૂર્વ પોલીસ મથકે આઈ.પી.સી.કલમ ૧૮૮ હેઠળ ફરીયાદ નોંધાવી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આગથળામાં યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ: બનાસકાંઠા જિલ્લાના આગથળા ગામે રહેતા એક યુવકે તેની પર યુવતી ભગાડી જવાનો ગુનો નોંધાયો હોય તે ટેન્શનમાં આવી જઈ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા આ બાબતે આગથળા પોલીસ મથકે ફરીયાદ નોંધાવા પામી છે. તેમાં શૈલેષભાઈ સોલંકી નામનો ૧૭ વર્ષીય યુવક મૃત જાહેર કરાતા પોલીસે અ.મોત ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

પાંથાવાડા હાઈવે પર જુગાર રમતો ઈસમ ઝડપાયો: પાંથાવાડા હાઈવે પર મંડાર ટેક્સી સ્ટેન્ડ પાસેથી પોલીસના ચેકીંગ દરમ્યાન જાહેરમાં વરલી મટકાનો આંક ફરકનો જુગાર રમી રમાડી જુગારના સાહિત્ય તથા રોકડ રકમ રૂ.૧૧૬૦ તથા બોલપેન અને અન્ય જુગાર સામગ્રી સાથે હીરાભાઈ રબારી (રહે.રબારીવાસ, પાંથાવાડા) વાળો ઝડપાઈ જતા તેની સામે પાંથાવાડા પોલીસ મથકે જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ડીસા-ધાનેરામાંથી વધુ બે બાઈકની ઉઠાંતરી: બનાસકાંઠા જિલ્લામાં બાઈક ચોરીના બનાવોમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે ડીસા અને ધાનેરામાંથી વધુ બે બાઈક ચોરાતા આ બાબતે પોલીસ ફરીયાદ નોંધાવા પામી છે. આ બનાવ સંદર્ભે પોલીસ ફરીયાદ અનુસાર ડીસાના તિરૂપતી ટાઉનશીપ રાપુર રોડ પર રહેતા જયેશભાઈ માળીનું પલ્સર મોટર સાયકલ કોઈ ચોર ઈસમ ચોરી કરી પલાયન ગઈ ગયો હતો. જે બાબતે તેઓએ ડીસા ઉત્તર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. જ્યારે બીજા એક બનાવમાં ધાનેરાના ગોકુલફાર્મમાં રહેતા અરવિંદભાઈ તુવરે પોતાનું હીરો હોન્ડા પેશન પ્રો મોટર સાયકલ ધાનેરા મધુસુદન પ્લાઝાની સામે પાર્ક કરી કોઈ કામ અર્થે જતા તેમનુ મોટર સાયકલ પણ ચોરાઈ જતા તેઓએ આ બાબતે ધાનેરા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

ભાભરના બુરેઠામાં ચણતર બાબતે મારામારી: ભાભર તાલુકાના બુરેઠા ગામે પૂછ્યા વગર દુકાન પર ચણતર કામ કરવા મામલે મારામારી સર્જાઈ હતી. જેમાં ભુરાજી ઠાકોરે ભાભર પોલીસ મથકે હઠાજી ઠાકોર, શીવાજી ઠાકોર, રાયમલજી ઠાકોર, તારાબેન ઠાકોર સામે ફરીયાદ નોંધાવી છે કે આ ઈસમોએ ચણતર કામ કરેલ હોઈ પૂછ્યા વિના કરાવેલ ચણતર કામ બંધ કરાવતા આ બાબતે એકદમ ઉશ્કેરાઈ જઈ લાકડીઓથી આડેધડ માર મારી તેમજ લાકડીથી પીઠના ભાગે ઈજાઓ કરી ગડદાપાટુનો માર મારી ઈજાઓ કરી હોવાની ફરીયાદ ભાભર પોલીસ મથકે નોંધાવતા પોલીસે ફરીયાદ આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે સામે પક્ષે પણ હઠાજી ઠાકોરે ભાભર પોલીસ મથકે ભુરાજી ઠાકોર, વિષ્ણુજી ઠાકોર અને લાલાજી ઠાકોર સામે ફરીયાદ નોંધાવી છે.

વાવના ખીમાણાવાસમાં રસ્તા બાબતે માર માર્યો: વાવ તાલુકાના ખીમાણાવાસ ગામે રસ્તો આપવા બાબતે માર મારતા પોલીસ ફરીયાદ નોંધાવા પામી છે. પારસભાઈ રાણુવા નામના ઈસમે તેના ગામના હરાભાઈ રાણુવા, કલાભાઈ રાણુવા અને નરેશભાઈ રાણુવા સામે વાવ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. તેમાં રસ્તો આપવા બાબતે બોલાચાલી થતા આ ઈસમોએ પારસભાઈના માથામાં ધારીયુ મારી તથા પીઠના ભાગે લાકડી મારી તેમજ ગીતાબેનને શરીરે આડેધડ ધોકાથી માર મારી ઈજાઓ કરી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હોવાની ફરીયાદ નોંધાવા પામી છે.

જુના ડીસા પાસે અકસ્માત સર્જાતા ફરીયાદ: જુના ડીસા બસ સ્ટેન્ડ પાસે એક જીપ ગાડી અને બાઈક ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં જીપ ગાડીના ચાલકે બાઈક સવારને ટક્કર મારતા શરીરે ઈજાઓ થઈ હતી અને આંગળીમાં ફેક્ચર સહિત ઈજાઓ કરી અને
તેની પાસેના મોબાઈલને પણ નુકશાન થયુ હોવાની ફરીયાદ ડીસા રૂરલ પોલીસ મથકે સતારભાઈ સુમરા (રહે.જુના ડીસા) વાળાએ નોંધાવતા પોલીસે તેમની ફરીયાદ આધારે ઉપરોક્ત જીપ ગાડીના ચાલક ચેલસિંગ ઠાકોર  (રહે.સામઢી નાઢાણીવાસ) વાળા સામે કાર્યવાહી હાથ ધરી છે.

થરાદમાંથી સગીરાનું અપહરણ: થરાદમાંથી સગીરાના અપહરણ મામલે થરાદ પોલીસ મથકે ફરીયાદ નોંધાવા પામી છે. બનાવની વિગત એવી છે કે થરાદમાં રહેતી ૧૪ વર્ષીય સગીરાનું દિયોદર તાલુકાના જાલોટા ગામનો ભરતભાઈ વાલ્મીકી નામનો ઈસમ  લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે ભગાડી ગયો હોવાની ફરીયાદ તેણીની માતાએ નોંધાવતા થરાદ પોલીસે ફરીયાદ આધારે ઉપરોક્ત ઈસમ સામે ગુનો દાખલ કરી તેની અટકાયત માટે ચક્રો ગતિમાન કર્યા છે