મહેસાણા સહિત સમગ્ર જિલ્લામાં હાલમાં દિવાળીના તહેવારો ટાણે મીઠાઇ અને ફરસાણ ઉપરાંત અનેક અખાદ્ય ચીજવસ્તુઓનું ધૂમ વેચાણ થઈ રહ્યુ છે. મિલાવટવાળી ચીજવસ્તુઓ બનાવી તેનું વેચાણ કરીને લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરવામાં આવી રહ્યા હોવા છતાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ જાણે મૌન ધારણ કરી બેઠું હોય તેવું લાગી રહ્યું છે. વર્ષ દરમ્યાન પણ ગણ્યા ગાંઠ્યા કેસ કરીને સંતોષ માનનાર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી સામે લોકોમાં અનેક સવાલો સર્જાયા છે.
દિવાળીના તહેવારને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મહેસાણા શહેર ઉપરાંત સમગ્ર જીલ્લાના બજારમાં ખાણીપીણીની ચીજવસ્તુઓ દુકાનોમાં ખડકી દેવામાં આવી છે. અને લોકો પણ હોંશેહોંશે મીઠાઈ, પેડા અને તમામ ફરસાણ જેવી ખાવાની ચીજ વસ્તુઓનું આરોગીને રોગના ભોગ બનવા જઈ રહ્યાં છે. પરંતુ આખા વર્ષ દરમ્યાન માત્ર ગણ્યા ગાંઠ્યા કેસ કરીને સંતોષ માનતુ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ જો શહેરમાં તપાસ હાથ ધરે તો મોટી માત્રામાં અખાદ્ય ચીજ વસ્તુઓનો જથ્થો ઝડપાઈ શકે તેવી શક્યતા વર્તાઈ રહી છે. પરંતુ કાર્યવાહીમાં ઢીલી નિતી અપનાવવા પાછળ કયું પરિબળ જવાબદાર છે તેવા લોકોમાં અનેક સવાલ સર્જાયા છે. આખા વર્ષ દરમ્યાન મહેસાણા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કેટલા કેસ કરવામાં આવ્યા અને કરવામાં આવેલા કેસો પૈકી કેટલા સેમ્પલ પોઝિટિવ અને કેટલા સેમ્પલ નેગેટિવ આવ્યા તે બાબતની તપાસ થાય તો આખા વર્ષ દરમિયાનની કામગીરી જોતા અનેક પ્રશ્નો સર્જાઇ શકે છે.
દિવાળી ટાણે હવે ફૂડ વિભાગ ગણ્યાગાંઠ્યા કેસ કરી સંતોષ માનશે
દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આ બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ માત્ર ગણ્યા ગાંઠ્યા કેસ કરી કેટલોક જથ્થો નાશ કરાવી સંતોષ માની બેસે છે. પરંતુ ખરેખર બનાસકાંઠા જિલ્લામાં ખાવા પીવાની ચીજ વસ્તુઓમાં મિલાવટ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા થઇ રહ્યા છે તે બાબતની કાર્યવાહી ન થવાથી લોકો રોગચાળાનો શિકાર બની રહ્યા છે.
માવાની મિઠાઈ બનાવવામાં સૌથી વધુ મિલાવટ થતી હોવાની ચર્ચા
મહેસાણા શહેર સહિત જીલ્લાના અનેક શહેરોમાં માવાની મીઠાઈ બનાવવામાં આવે છે તેમાં માવો બનાવવામાં સૌ પ્રથમ તો મિલાવટ અને ત્યારબાદ મીઠાઈ બનાવવા પણ મિલાવટ કરવામાં આવી રહી હોવાની ચર્ચા ચાલી રહી છે. તેમાં માવામાં ટેલકમ પાવડરનો ઉપયોગ કરી લોકોને કેન્સર જેવા રોગો નો શિકાર બનાવવા માટેની પૂરેપૂરી તૈયારી કેટલાંક લોકોએ કરી દીધી છે.