મહેસાણા કલેકટરે 13 માર્ચે લાંઘણજ પોલીસને 4 ભૂમાફિયા વિરુદ્ધ ફરિયાદ નોંધવા હુકમ કર્યો હતો
આંબલિયાસણ ગામે આવેલી જમીન 4 ભૂમાફિયાઓ દ્વારા પચાવી પાડવામાં આવી હોવાની કલેકટરને જમીન માલિકે રજૂઆત કરી હતી
લાંઘણજ પોલીસ દ્વારા હજુ સુધી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધવામાં આવી નથી
ગરવી તાકાત, મહેસાણા તા. 09 – આંબલિયાસણ ગામે આવેલી જમીન ભૂમાફિયાઓ દ્વારા પચાવી પાડવામાં આવી હોવાની રજૂઆત જમીન માલિક દ્વારા મહેસાણા જિલ્લા કલેકટરને કરવામાં આવી હતી. જેને પગલે મહેસાણા કલેકટરે લાંઘણજ પોલીસને ચાર ભૂમાફિયા વિરુદ્ધ ફરિયાદ કરવા ગત તા. 13 માર્ચના રોજ લેખિતમાં હુકમ કર્યો હતો. પરંતુ લાંઘણજ પોલીસ કલેકટરના હુકમને ગોળીને પી ગઇ હોય તેમ હજુ સુધી ભૂમાફિયા સામે ફરિયાદ કરવામાં આવી નથી જેને પગલે લેન્ડ ગ્રેબિંગના કાયદાની આબરુના લીરેલીરા ઉડી રહ્યા છે.
આંબલિયાસણ ગામે પટેલ મણિલાલ મંગળદાસ નામના જમીન માલીકની જમીન આવેલી છે. જે જમીન પર ભૂમાફિયા રબારી સાગરભાઈ સરતાનભાઈ અને રબારી દારજી ગણેશભાઈ દ્વારા જમીન પચાવી પાડવામાં આવી છે. જે બાબતે રાજ્ય સરકાર દ્વારા ભૂમાફિયાઓને અંકુશમાં લાવવા માટે લેન્ડ ગ્રેબિંગનો કાયદો અમલમાં લાવવામાં આવ્યોં છે. ત્યારે પટેલ મણિલાલ મંગળદાસે આ બાબતે મહેસાણા જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી.
જેને પગલે મહેસાણા જિલ્લા કલેકટરે જમીન પચાવી પાડવા મુદ્દે રબારી સાગરભાઈ સરતાનભાઈ અને રબારી દારજી ગણેશભાઈ સહિત ચાર શખ્સો વિરુદ્વ લેન્ડ ગ્રેબિંગની પોલીસ ફરિયાદ દાખલ કરવા ગત તા. 13 માર્ચના રોજ લાંઘણજ પોલીસને મહેસાણા જિલ્લા કલેકટરે હુકમ કર્યો હતો. જે કલેકટરના હુકમને પણ લાંઘણજ પોલીસ ઘોળીને પી ગઇ છે. મહેસાણા કલેકટરે લાંઘણજ પોલીસને લેખિતમાં આદેશ આપ્યોં હોવા છતાં લાંઘણજ પોલીસ દ્વારા હજુ સુધી ભૂમાફિયા સામે કોઇ જ ફરિયાદ નોંધવામાં આવી નથી. ત્યારે આ મામલે લાંઘણજ પોલીસ આરોપીઓને છાવરવાનો પ્રયાસ કરતી હોવાની રજૂઆત કરવામાં આવી છે.