ગરવીતાકાત,મહેસાણા(તારીખ:૧૬)

સમગ્ર રાજ્યમાં ડબલ ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે. ડબલ ઋતુના કારણે રોગચાળામાં વધારો જોવા મળી રહ્યો છે.. ત્યારે મહેસાણા જિલ્લામાં ચોમાસા બાદ ડેન્ગ્યુ તેમજ વાયરલ ફીવરમાં વધારો નોંધાયો છે.

જેને લઈને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે રોગચાળા એ માથું ઉંચકતા મહેસાણા સિવિલમાં દર્દીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. સિવિલમાં ચોમાસા પહેલા 600થી 700 આસપાસ ઓ.પી.ડી ના દર્દીઓ આવતા હતા ત્યારે હાલ 1100થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

મહેસાણા જિલ્લામાં ખાનગીદવાખાના અને સરકારી સિવિલમાં ડેન્ગ્યુના 315 દર્દીઓ 1 મહિનામાં નોંધાયા છે જે જોતા આ આંકડો ચિંતાજનક કહી શકાય તેમ છે. વાયરલ ફીવર અને ડેન્ગ્યુ જેવા રોગો શહેરી વિસ્તાર કરતા ગ્રામ્ય વિસ્તારોમાં વધુ જોવા મળી રહ્યા છે.

આરોગ્ય વિભાગ એવું જણાવી રહ્યું છે કે હાલમાં ચોમાસા બાદ રાત્રે ઠંડી અને દિવસે ગરમીનો જે બે ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે તેના કારણે દર્દીઓ બીમાર પડી રહ્યા છે.