હરસિધ્ધ સોસાયટીમાં દંપતીના બે મકાનના ગેરકાયદે બાંધકામને તોડી પાડયું

શેર કરવા અહીં ક્લિક કરો.

— મહેસાણા પાલિકાના સત્તાવાહકો ગાજ્યા પ્રમાણે વરસ્યા નહીં :

— દબાણ હટાવ ટીમે ચારેક ફૂટ દીવાલનું બાંધકામ તોડી માર્જીનની જગ્યા ખુલ્લી કરી :

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા શહેરના રાધનપુર સર્કલ નજીકની હરસિધ્ધ સોસાયટીમાં પાલિકાની પરવાનગી કરતાં વધારાના કરેલાં ગેરકાયદે બાંધકામને આજે દબાણ હટાવ ટીમે તોડી પાડી ચારેક ફુટ જેટલી માર્જીનની જગ્યા ખુલ્લી કરી હતી. જો કે, રાધનપુર રોડ વિસ્તારના એક શો રૃમના બાંધકામને સીલ મારવાની અને દબાણ દૂર કરવાની  ચેતવણી માત્ર કાગળ પર જ રહી હોવાની ચર્ચા પાલિકામાં ચકડોળે ચડી હતી.

શહેરના રાધનપુર રોડ પર ઘણાં લાંબા અરસાથી ગેરકાયદે બાંધકામો અને પાલિકાની મંજૂરી કરતાં મનસ્વીપણે વધારાનું ગેરકાયદે બાંધકામ કરી દીધાની વ્યાપક ફરિયાદોના પગલે પાલિકાએ મિલકતધારકોને સ્વખર્ચે  દબાણો દૂર કરવાની નહીંતર  મિલકતને સીલ મારવાની અને અનધિકૃત દબાણ હટાવવાની આખરી નોટિસ ફટકારી હતી. જેના પગલે આજે સોમવારે નગરપાલિકાની દબાણ હટાવ ટીમે અત્રેના રાધનપુર રોડ, જકાતનાકા સામેની હરસિધ્ધ સોસાયટીમાં આવેલ રે.સ.નં.૧૯૧૦ ટીપી સ્કીમ નં.૧ એફ.પી.નં.૧/પૈકીના સબ પ્લોટ નં.૧૫/એ તથા ૧૫/બી. ના મિલકતધારક પટેલ બાબુભાઈ હરીભાઈએ અને બાજુમાં આવેલાં સબ પ્લોટ નં.૧૬/એ તથા ૧૬/બી.ના મકાન માલિક પટેલ રઈબેન બાબુભાઈને નગરપાલિકાએ રહેણાંકના હેતુ માટે વિકાસ પરવાનગી આપી હતી. જો કે, દંપતીએ પાલિકાની પરવાનગી વિરૃધ્ધનું માર્જીનની જગ્યામાં ગેરકાયદે દીવાલનું બાંધકામ કરી દીધું હતુ.

જેને દૂર કરવા માટે પાલિકાએ અવારનવાર આપેલી નોટિસને નજરઅંદાજ કરી બન્ને દબાણકર્તાએ દબાણ દૂર નહીં કરતાં અને આખરી નોટિસને પણ ઘોળીને પી જતાં પાલિકાના દબાણ હટાવ ટીમે આજે બન્ને પ્લોટ-મકાનોની પાલિકાની પરવાનગી વગરની વધારાની માર્જીનની જગ્યામાં કરેલાં દીવાલનાં બાંધકામને તોડી નાખી આશરે ચારેક ફુટ જમીન ખુલ્લી કરી હોવાનું ચીફ ઓફિસર અલ્પેશ પટેલે જણાવ્યું હતુ.

તસવિર અને અહેવાલ : નાયક અક્ષય — મહેસાણા

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.