-> શિયાળુ સિઝન ચાલુ થઈ છતાં કેનાલોમાં સફાઈ વિના જ પાણી છોડાય તેવી સ્થિતિ :
-> સફાઈના નામે નર્મદા નિગમ લાખો રૂપિયાના ટેન્ડર પાડ્યા છતાં કેનાલોમાં સફાઈનો અભાવ :
ગરવી તાકાત બનાસકાંઠા : વાવ અને ધરણીધર તાલુકાની નર્મદાની કેનાલોમાં શિયાળુ સિઝનને 20 દિવસ જેટલો સમય વીતવા છતાં પણ સફાઈ વિના જ પડી છે જોકે વાવ અને સુઈગામ તાલુકાની નર્મદાની કેનાલોમાં સફાઈ માટે નર્મદા નિગમ દ્વારા દિવાળી પછી લાખો રૂપિયાના ટેન્ડર આપવા છતાં કેનાલોની સફાઈ કરાઈ નથી તો સફાઈ ના ટેન્ડર પાડ્યા બાદ પણ સફાઈ નહી થતાં નર્મદા નિગમ અને કોન્ટ્રાકટરોની બેવડી નીતિ સામે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે ત્યારે કેનાલોની સફાઈ કામગીરી ઝડપી થાય તેવી માંગ ઉઠી છે.

વાવ અને ધરણીધર તાલુકામાં રવિ સિઝનની શરૂઆત થઈ જવા પામી છે જોકે વાતાવરણમાં પલટો આવતા અચાનક જ ઠંડીનું પ્રમાણ વધવાથી ખેડૂતો નર્મદાની કેનાલોમાં સિંચાઈનું પાણીની માંગ કરી રહ્યાં છે ચાલુ વર્ષે સરહદી વિસ્તારમાં પૂરની સ્થિતિને કારણે ખેડૂતો શિયાળુ સિઝનમાં લેટ થઈ રહ્યાં છે જોકે કાર્તિક પૂર્ણિમા બાદ પણ નર્મદાની કેનાલોમાં સિંચાઈનું પાણી છોડવામાં નહી આવતા ખેડૂતોમાં ઉગ્ર રોષ ફેલાયો છે ત્યારે સફાઈ વિના જ કેનાલોમાં પાણી છોડવું કે સફાઈ કરીને નર્મદા નિગમ દ્વારા 15 નવેમ્બર સુધીમાં સફાઈ કરીને સિંચાઈનું પાણી છોડવાની જાહેરાત કરી હતી.

પરંતુ હજુ સુધી કેનાલોમાં સફાઈ વિના જ પડી હોવાથી જો સિંચાઈનું પાણી ચાલુ કરશે તો ચાલુ સીઝન વચ્ચે જ કેનાલોમાં ગાબડાઓ પડશે અને અંતે ખેડૂતોના ખેતરોમાં જ જળબંબાકારની સ્થિતિ સર્જાય તો નવાઈ નહી.તો નર્મદાની મુખ્ય બ્રાન્ચ કેનાલોમાં સફાઈ કરીને સત્વરે સિંચાઈનું પાણી છોડવામાં આવે તેવી ખેડૂતોમાં માંગ ઉઠી છે આ અંગે ઢીમાનાં ખેડૂત રમેશભાઈ પટેલે જણાવ્યું કે શિયાળુ સિઝન ચાલુ થઈ છે હવે ખેડૂતોને આર્થિક સહાય તો ખેડૂતો સુધી હજુ નથી પહોંચી પણ ખેડૂતોને શિયાળુ સિઝન ચાલુ થઈ ગઈ છે તો નર્મદાની કેનાલોમાં સિંચાઈનું પાણી આપો અત્યારે ખેડૂતોને સિંચાઈ માટે પાણીની ખૂબ જ જરૂર છે.


