પિતા-પુત્રોએ વ્યાજખોરો પાસેથી 6 લાખ લીધા હતા ગઇકાલે 1.30 લાખ ચૂકવવાના હતા

મોરબી: મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા પિતા અને તેના બે પુત્રોએ ઝેરી દવા પી લેતા ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં બી ડિવિઝન પોલીસ હોસ્પિટલ દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી. પિતા અને બન્ને પુત્રોએ વ્યાજખોરોના ત્રાસથી પગલું ભર્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. જો કે હકીકત પોલીસ ફરિયાદ અને તપાસ બાદ જ સામે આવશે.

પિતા-પુત્રોએ 6 લાખ વ્યાજે લીધા હતા: મોરબીના સામાંકાંઠા વિસ્તારમાં આવેલી ભાગ્ય લક્ષ્મી સોસાયટીમાં રહેતા અને મજૂરી કામ કરતા કરીમ મામદભાઈ નામના વૃદ્ધએ તેમના બે પુત્ર અકબર કરીમભાઈ અને ઇકબાલ કરીમભાઈએ ગત મોડી સાંજે તેંમનાં ઘરમાં ઝેરી દવા પી લીધી હતી. તમામને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર આપી હતી જ્યાં તબિયત સ્થિર હોવાનું સામે આવ્યું હતું. બનાવની પ્રાથમિક તપાસમાં પિતા-પુત્રોએ વ્યાજખોરોના ત્રાસથી પગલું ભર્યુ હોવાની ચર્ચા જાગી હતી. પિતા-પુત્રોએ રૂ 6 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. રૂ1.30 લાખની ગઇકાલે ચુકવણી કરવાની મુદત હોય અને તેમની પાસે પૈસા ન હોવાથી પગલું ભર્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. જો કે આ અંગે સાચી હકીકત પોલીસ તપાસ બાદ જ સામે આવી શકે છે.

Contribute Your Support by Sharing this News: