દાંતીવાડા તાલુકાના શિક્ષકને હનીટ્રેપમાં ફસાવી બ્લેકમેઇલ કરી રૂ.૭.૫૦ લાખ પડાવી લીધા 

શેર કરવા અહીં ક્લિક કરો.
ગરવી તાકાત,દાંતીવાડા

યુવતી સહિત ૬ ની ટોળકીએ મળી નાણાં પડાવતા શિક્ષકે નોંધાવી પોલીસ ફરીયાદ

દાંતીવાડા તાલુકાના એક ગામમાં પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકને હની ટ્રેપમાં ફસાવી બ્લેકમેલિંગ કરી એક યુવતી સહિત ૬ લોકોની ટોળકીએ રૂપિયા ૭.૫૦ લાખ પડાવ્યા હતા અને ઝાલા નામના કોઇ ઇસમે પોલીસની ઓળખાણ આપી ધાક ધમકીઓ આપી શિક્ષકને અવાર નવાર બ્લેકમેલ કરી નાણાં પડાવતાં આ બાબતે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતાં ચકચાર મચી જવા પામી છે. બનાસકાંઠા જિલ્લામાં પણ હવે હની ટ્રેપ જેવા કિસ્સાઓ સામે આવતા લોકોઅે સજાગ રહેવાની જરૂર જણાઇ રહી છે.

આ પણ વાંચો – પાટણ: સાદા પાવડરને બ્રાઉનસુગર જણાવી તોડ કરવા આવેલી નકલી પોલીસની દાળ ના ગળી

બનાસકાંઠા જિલ્લામાં ચોરી લૂંટ અને ધાડ જેવા ગુનાઓ બાદ હવે હની ટ્રેપના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના એક ગામમાં શિક્ષક સાથે હની ટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. આ બનાવ અંગે પોલીસ ફરિયાદ અનુસાર દાંતીવાડા તાલુકાના એક ગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને પાલનપુર ખાતે રહેતા શિક્ષકને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસ ફરિયાદ અનુસાર ઉપરોકત શિક્ષકની મુલાકાત એક યુવતી સાથે થઇ હતી. જેમાં આ યુવતી ગાડીમાં બેસી શિક્ષકને આબુરોડ લઈ ગઈ હતી અને હોટલ બુક કરાવી ત્યાં લાગણીઓમાં બાંધી પ્રેમભરી મીઠીમીઠી વાતો કરી અને પરત અમીરગઢ બોર્ડર લાવી હતી. અને રસ્તામાં આ યુવતીએ ઊલટી કરવાનું બહાનું કરી શિક્ષકને ગાડી ઉભી રખાવી તેની નીચે ઉતરી હતી. 
આ દરમિયાન પ્લાનિંગ મુજબ પાછળથી બે ગાડીમાં પાંચ માણસો અને ટોળકી આવેલી અને શિક્ષકને ગાડીમાં પાછળની સીટમાં બળજબરીથી બેસાડી ચિત્રાસણીથી મલાણા તરફ લઈ ગઈ અને રસ્તામાં જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ત્યારબાદ એક માણસ આવેલ અને તેણે પોતાની ઓળખાણ ઝાલા સાહેબ પોલીસ તરીકે આપી અને બાદમાં શિક્ષકને ડીસા તરફ લઇ જઇ તેની પાસેથી નાણાંની માગણી કરી અને રૂપિયા ૧૦ લાખની માંગણી કરી રૂ.૪ લાખમાં તે છેલ્લે નક્કી કરાયું હતું જેમાં તેના એટીએમમાંથી ત્યાંથી જ રૂ.૨૦ હજાર કઢાવી લીધા હતા અને બાદમાં પણ શિક્ષકને યુવતીએ ઝેર પીધેલ હોવાનું જણાવીને ધમકીઓ આપી પતાવટ કરવા ફરી બે લાખ પડાવી તેમજ ત્યારબાદ યુવતી મૃત્યુ પામી હોય ફરીથી ધમકાવીને નાણાં પડાવી કુલ ૭.૫૦ લાખ બ્લેકમેલ કરી પડાવી લીધા હતા. જે બાબતે શિક્ષકે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
રીપોર્ટ – જયંતી મેતીયા
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.