મહેસાણામાં મોઢેરા ચોકડીથી દૂધ સાગર ડેરી સુધીનો રોડ પરના બમ્પ દૂર કરાતાં અકસ્માતનો ભય

શેર કરવા અહીં ક્લિક કરો.

— હાઈ વે ઉપર સ્ટ્રીટલાઈટ્સના અભાવે રાત્રિ પડતાં જ અંધારપટ પથરાઈ જાય છે :

— રોડ એન્ડ બિલ્ડીંગ  ખાતાના અધિકારીઓએ સ્પીડ બ્રેકર મુકવાનું માંડી વાળતાં ગોઝારો અકસ્માત સર્જાવાની શક્યતા :

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા શહેરના મોઢેરા ચોકડીથી દૂધ સાગર ડેરીના કોર્નર સુધીના હાઈ વે ને પહોળો કરવામાં સ્પીડબ્રેકર દૂર કરાયા છે. તેથી હાલમાં નવાનક્કોર રોડ પરથી હળવાભારે વાહનો પુરઝડપે પસાર થાય છે. તેના લીધે જીવલેણ અકસ્માત સર્જાવાની ભીતિ રહી છે. તેવી જ રીતે, હાઈ વે પર સ્ટ્રીટલાઈટ નહીં હોવાથી અંધારપટમાં લોકોને પારાવાર હેરાનગતિ વેઠવી પડે છે. આ અંગે આર એન્ડ બી.ના સત્તાવાહકોને લોકોએ અનેક રજૂઆતો કરી હોવા છતાં પરિણામ શૂન્ય રહેતું હોવાની ફરિયાદ ઊઠી છે.

મહેસાણા શહેરના મોઢેરા ચોકડીથી રાધનપુર સર્કલ થઈ દૂધ સાગર ડેરીના ખુણા સુધીના હાઈ વે ને નવા ડામરના વાઘા પહેરાવવામાં રોડ એન્ડ બિલ્ડીંગ  ખાતાના અધિકારીઓએ સ્પીડ બ્રેકર મુકવાનું માંડી વાળતાં ગોઝારો અકસ્માત સર્જાવાની શક્યતા બળવત્તર બની છે. આ હાઈ વે પરથી પુરપાટ ઝડપે હળવા ભારે વાહનો દોડી જાય છે. રાહદારીને રસ્તો ઓળંગવામાં પણ જીવનું જોખમ રહે છે. આ રોડ પરથી શાળા-કોલેજના વિદ્યાર્થીઓની સાથે કામદારો, નોકરિયાતવર્ગની અવરજવર વધુ રહે છે.  આ હાઈ વે પરની ગેરેજ પાસે એક બમ્પ હતો. તેને નવા રોડના કામ વખતે દૂર કરાયો છે. તેમજ સ્વામિનારાયણ મંદિર પાસેના બમ્પને તથા દૂધ સાગર ડેરીના દરવાજા પાસે અને તેનાથી થોડાંક આગળના અગાઉના  સ્પીડબ્રેકરને મીટાવી દેવાયા છે.

પરિણામે આ હાઈ વે અકસ્માત ઝોન બનવાની શક્યતા વધવાના લીધે લોકોમાં આક્રોશ પ્રવર્તી રહ્યો છે. આટલું ઓછું હોય તેમ મોઢેરા ચોકડીથી રાધનપુર સર્કલ થઈને દૂધ સાગર ડેરી સુધીના નેશનલ હાઈ વેને પહોળો કરવા માટે આર. એન્ડ બી. દ્વારા રોડ પરની સ્ટ્રીટલાઈટ્સના પોલ દૂર કરવામાં આવ્યાં છે. તેથી હાઈ વે પર રાત્રિ પડતાં જ અંધારપટ પથરાઈ જાય છે. તેથી અવારનવાર રોડ પર નાના મોટા વાહન અકસ્માતો સર્જાતા હોય છે.

અત્રેના હાઈ વે પર કોઈ ગોઝારો અકસ્માત સર્જાય અને લોકોના જીવ જોખમમાં મુકાઈ જાય તે પહેલાં વીજથાંભલા નાંખીને રોડ પર અજવાળા પાથરવાની માગણી કરવામાં આવી હતી. આ અંગે આર.એન્ડ બી.ના ઉચ્ચ અધિકારી  બી.એસ.પટેલે કહ્યું કે, હાઈ વે પર બમ્પ બનાવવાની કાર્યવાહી વિચારણામાં છે,  દૂધ સાગર ડેરીના ચેરમેન સહિત અનેક લોકોના ફોન આવ્યાં છે. હાઈ વે પર સ્પીડ બ્રેકર મૂકવા અંગે મીટિંગમાં નક્કી કરીને  કામગીરી કરવામાં આવશે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.