બનાસકાંઠાના સરહદી થરાદ વાવ પંથકના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. જે કોરોનાના કહેર વચ્ચે  ભર ઉનાળે વરસાદ સ્વરૂપે માઠા સમાચારમાં ફેરવાયો હતો. દક્ષિણ દિશામાંથી ભારે પવનના સુસવાટા સાથે પ્રથમ આંધી આવી હતી. જેની પાછળ પાછળ વરસાદના ઝાપટાં પણ પડ્યા હતા. વાતાવરણમાં શિતળતા પ્રસરતાં પ્રજાજનોએ ભારે રાહત અનુભવી હતી. જો કે પહેલાં ભારે પવના સાથે ફુંકાયેલી આંધી (વાવળ)ના કારણે થરાદ પંથકના ગામડાંમાં વૃક્ષો પણ ધરાશયી થયાં હતાં. અનેક ખેડુતો અને શ્રમજીવીઓનાં છાપરાં પણ ઉંચા નીચાં થવા પામ્યાં હતાં. થરાદ શહેર અને ગ્રામ્યવિસ્તારોની પ્રજાના ઘરોમાં ધુળના થર જામતાં પ્રજાજનોને ભારે હાલાકીઓનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે થરાદ તાલુકાના  આજુબાજુના ગામોમાં પવન સાથે ક્યાંક અમીછાંટણાં તો ક્યાંક એક ઇંચ જેટલો વરસાદ પણ વરસવા પામ્યો હતો. એક બાજુ બનાસકાંઠામાં કોરોનાના કહર વચ્ચે જોરદાર ઝાપટું ભારે પવન આવતાં ખેડુતોના ખેતરોમાં ઉભેલો બાજરી, જુવાર જેવા પાકને જમીનદોસ્ત કરતો ગયો હતો. જેને કારણે ખેડુતોની ચિંતા વધવા પામી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક મહિનાઓમાં કુદરતની એક પછી એક થપાટ સરહદી જિલ્લાના ખેડુતોને નુકશાની નોતરી રહી છે
Contribute Your Support by Sharing this News: