— ખાલી ટ્રક બનાસકાંઠાના અમીરગઢ નજીક હોટલ પાર્કિંગમાંથી મળી આવી
— 8 દિવસે પણ ટ્રક નહીં પહોંચતાં કરેલી તપાસમાં છેતરપિંડી ખુલી, ત્રણ સામે ફરિયાદ
ગરવી તાકાત મહેસાણા: ઊંઝા તાલુકાના સુણોકથી ગત 21 ફેબ્રુઆરીએ 25050 કિલો જીરૂનો જથ્થો બિહારના પટણા પહોંચાડવા 2 શખ્સો ટ્રક લઇને નીકળ્યા બાદ ગંતવ્ય સ્થળે નહીં પહોંચતાં ટ્રાન્સપોર્ટ સંચાલકે હાથ ધરેલી તપાસમાં ટ્રક અમીરગઢ નજીક એક હોટલેથી મળી આવી હતી. આથી ટ્રાન્સપોર્ટ સંચાલકે રૂ.49.96 લાખની છેતરપિંડીની ફરિયાદ ઉનાવા પોલીસ મથકે નોંધાવી છે.
ઊંઝામાં આઝાદ ટ્રાન્સપોર્ટ કંપનીની બ્રાન્ચના સંચાલક રમેશભાઇ મણિલાલ પટેલને ગત 21 ફેબ્રુઆરીએ પટેલ રિતેશ મોહનલાલ એન્ડ કંપનીનું 835 નંગ જીરાના કટ્ટા બિહારના પટણા સ્થિત શ્રી પવનસુત ટ્રેડર્સને ત્યાં પહોંચાડવાનો ઓર્ડર મળ્યો હતો. જેને લઇ રમેશભાઇએ તેમના વેપારી મિત્રોની મદદથી પાલનપુરના વિકાસ પ્રવિણભાઇ જોશીનો સંપર્ક કર્યો હતો.
પ્રતિ કિલોએ રૂ.5.20ના ભાડા પ્રમાણે રૂ.1.10 લાખ એડવાન્સ ચૂકવ્યા હતા અને એ જ દિવસે બપોરે ટ્રક (જીજે 09 ઝેડ 3302)માં શીંહી-સુણોક વચ્ચે આવેલી પટેલ રિતેશભાઇ મોહનલાલ એન્ડ કંપનીની ફેક્ટરીમાંથી 25050 કિલો જીરૂનો માલ તેમજ વીમો અને જીએસટી મળી કુલ રૂ.49,96,520નો માલ ભરી રાત્રે રવાના થઇ હતી.
24 ફેબ્રુઆરીએ હમીદખાન ખોખર નામની વ્યક્તિએ ફોન કરી રૂ.30 હજાર ટ્રાન્સફર કરવા કહ્યું હતું. જોકે, રમેશભાઇને શંકા જતાં તેમણે 26મીએ વિકાસ જોશીને ફોન કરતાં બંધ આવતો હતો. જેને લઇ રમેશભાઇએ શોધખોળ હાથ ધરી હતી.
જેમાં સુણોકથી જીરૂનો માલ ભરી નીકળેલી ટ્રક (જીજે 09 ઝેડ 3302) અમીરગઢ નજીક હોટલ પાર્કિંગમાં હોવાનું જાણવા મળ્યું હતું. હોટલે જઇ તપાસ કરતાં ટ્રક ખાલી હતી તેમજ ચાલક અને વિકાસ જોશી ત્યાં મળ્યા ન હતા. આથી રમેશભાઇ પટેલે ઉનાવા પોલીસ મથકે જોશી વિકાસ પ્રવિણભાઇ (રહે. શ્રધ્ધા ફેલ્ટ, કોઝી સિનેમા પાસે, પાલનપુર), ટ્રકચાલક અને હમીદખાન ખોખર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
તસવિર અને આહેવાલ : નાયક અક્ષય- મહેસાણા