ઊંઝા માર્કેટયાર્ડમાં માર્ચ એન્ડિંગ બાદ જીરુમાં તેજી, -3800થી 4400 સુધીના ઊંચા ભાવ

શેર કરવા અહીં ક્લિક કરો.

— હજુ સારા ભાવ મળવાની વેપારીઓને આશા ,પ્રથમ દિવસે જીરુની 20 થી 25 હજાર બોરી આવક રહી :

–વરિયાળીની 15 હજાર, ઈસબગુલની 20 હજાર બોરી , અજમાની 1000 ગુણી આવી :

ગરવી તાકાત મહેસાણા :  એશિયાખંડના સૌથી મોટા ઊંઝા માર્કેટયાર્ડ માર્ચ એન્ડિંગને લઈ 8 દિવસ બંધ રહ્યા બાદ સોમવારે જીરુ, વરિયાળી, ઈસબગુલ અને અજમા સહિત મસાલા પાકોની આવક સાથે પુન: ધમધમતું થયું હતું. જોકે, ગત વર્ષની તુલનામાં આ વર્ષે આવકો 50 ટકા રહી હતી. જ્યારે ભાવ બમણા જોવા મળ્યા હતા. અહીં વરિયાળી હળવદ અને ઉત્તર ગુજરાતમાંથી આવી રહી છે. જ્યારે જીરું રાજસ્થાનના જેસલમેર, બાડમેર તરફથી આવી રહ્યું છે.

સોમવારે જીરુની 20 થી 25 હજાર બોરી આવક રહી હતી. આ વર્ષે જીરાનું વાવેતર 60 ટકા જેટલું રહેતાં આગળ ઉપર તેજી જોવા મળી રહી છે. વરિયાળીની 15 થી 18 હજાર બોરી, ઈસબગુલની 17 થી 20 હજાર બોરી જ્યારે અજમાની 1000 ગુણીની આવક જોવા મળી હતી. જીરાનું વાવેતર 60 ટકા રહેતા ગત વર્ષેની તુલનામાં આ વર્ષે જીરુંના ભાવોમાં ઉછાળો જોવા મળ્યો હતો.

આ વર્ષે જીરૂના રૂ.3800 થી 4400 સુધીના ભાવ જોવા મળ્યા હતા. જ્યારે વરિયાળીમાં એવરેજ ભાવ રૂ.2000થી 2100 સુધીના રહ્યા હતા. આબુરોડ બેસ્ટ કલર માલના 3000 થી 3500, જ્યારે મિડિયમ માલના 2200 થી 2400 રૂપિયા બોલાયા હતા. ઇસબગુલના ભાવ 2100 થી 2500 સુધીના પડ્યા છે. તે જોતાં આ વર્ષે ખેડૂતોને સારા ભાવ મળશે તેવી આશા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.