નિમુબેન બાંભણીયા ખાદ્ય-જાહેર વિતરણના રાજયમંત્રી: રાજયમાંથી છ પૈકી પાંચ કેબીનેટ પ્રધાન
ગરવી તાકાત, ગાંધીનગર,તા.11 – વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એનડીએની ટીમને ખાતાઓની વહેંચણી કરી હતી. એમાં અપેક્ષા મુજબ મહત્વના ચાર કેબીનેટ ખાતાના મંત્રીઓને યથાવત રાખ્યા છે. રાજનાથસિંહને રક્ષા મંત્રાલય, અમિતભાઈ શાહને ગૃહ અને સહકારિતા તથા વિદેશ મંત્રાલય એસ. જયશંકર, નાણા નિર્મલા સિતારામન પાસે જ રહ્યા છે. આ ખાતાની વહેંચણીમાં મંત્રીમંડળની જેમ ગુજરાતના ચાર લોકસભા અને બે રાજયસભાના મળી છ મંત્રીના દબદબાની જેમ વિભાગો પણ એવા જ મહત્વના મળ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બીજી ટર્મમાં ગૃહ ઉપરાંત સહકારિતા મંત્રાલયનો હવાલો સંભાળતા અમિતભાઈ શાહના બન્ને ખાતે વડાપ્રધાને યથાવત રાખ્યા છે. આ જ રીતે વિશ્ર્વમાં ભારતની રાજદ્વારી છબીને નિખાર આપનાર વિદેશમંત્રી એસ. જયશંકરનું મંત્રાલય અપેક્ષા મુજબ યથાવત રાખ્યું છે. પીએમ મોદી 10માં આરોગ્ય આરોગ્ય મંત્રાલયનો હવાલે સંભાળનાર હાલના ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાને એનડીએ સરકારમાં આરોગ્ય મંત્રાલય સોંપાયું છે. ડો. મનસુખ માંડવિયાને શ્રમ અને રોજગાર મંત્રાલયની જવાબદારી સોંપી છે.
ગુજરાતના વર્તમાન પ્રદેશ પ્રમુખ અને નવસારી લોકસભાના સાંસદ સી.આર. પાટીલને જળશકિત મંત્રાલય સોંપાયું છે. અંદાજે એક લાખ કરોડથી વધુનું બજેટ ધરાવતા આ મંત્રાલય હેઠળ દેશની તમામ નદીઓ, સિંચાઈ, જળસ્ત્રોત આવે છે. ગંગા સહિત દેશની મોટી અને મહત્વની નદીઓના શુધ્ધિકરણની કામગીરી, ભૂગર્ભ જઈ સંશાધનોના વિકાસ, આંતરરાજયો વચ્ચે નદીના વિવાદ, પાણીની ફાળવણી જેવી બાબતો પણ આ મંત્રાલયની નીચે આવે છે. ભાવનગરથી પહેલી જ વખત સાંસદ 58 વર્ષના વ્યવસાયે શિક્ષિકા એવા નિમુબેન બાંભણીયાને રાજયકક્ષાના મંત્રી તરીકે ગ્રાહકો અને ખાદ્ય તથા જાહેર વિતરણ વ્યવસ્થાનો વિભાગ સોંપાયો છે.