ગેરકાયદેસર દબાણ દુર કરવા બાબતે, મહેસાણા મામલતદાર(શહેર)ની કોર્ટે હુકમ કરી શહેરના સર્વે નંબર 705 વાળી જમીન ઉપરથી દબાણ દુર કરવા હુકમ કરવામાં આવ્યો છે. જેમાં સામાવાળા પક્ષે સરકારી પડતર જમીન ઉપર લાંબા સમયથી કબ્જો કરી કોટ(દિવાલ) બનાવી લોંખંડનો દરવાજો મુકી કબ્જો જમાવ્યો હતો.
મહેસાણા શહેરમાં આવેલ સરકારી પડતર જમીનના જુના સર્વે નંબર 740 નો નવો સર્વે નબંર 705 ક્ષેત્રફળ 0.79.17 વાળી જમીન ઉપર ઠાકોર દલાજી બબાજી, રહે – ઠાકોરવાસ,સનસીટી બંગ્લોઝની બાજુ વાળાએ લાંબા સમયથી કબ્જો કરી દબાણ કર્યુ હતુ. આ મામલે લેન્ડ રેકર્ડની કલમ 61 મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડી દિવાલ(કોટ) બનાવી દરવાજો પણ મુક્યો હતો.
આ પણ વાંચો – ખેડુત આંદોલનકારી ટુકડે ટુકડે,દેશવિરોધી ગેંગ-નીતીન પટેલનો બફાટ કે ડેલીબરેટેડ એક્ટ ?
આ કેસની સુનવણી દરમ્યાન પડતર જમીન ઉપર દબાણ કરનાર ઠાકોર દલાજી બબાજીએ તારીખ 30/07/2020 ના દિવસે હાજર રહી લેખીતમાં અરજી કરી મુદ્દતની માંગણી કરી હતી. તેમની આ અરજીને ગ્રાહ્ય રાખી મામલતદાર મહેસાણા (શહેર)ની કોર્ટે તારીખ 17/08/2020, 07/09/2020, 21/09/2020 ની એમ કુલ 3 મુદ્દતો આપી હતી. જે મુદ્દતોમાં સામાવાળા પક્ષે તેમના સમર્થનમાં કોઈ આધાર-પુરાવા અથવા જવાબ રજુ નહોતો કર્યા. ત્રણ મુદ્દતોમાં જવાબ કે પુરાવા રજુ કરવામાં નિષ્ફળ થયેલ દબાણકર્તાએ ફરીથી મુદ્દત માંગતા કોર્ટે તારીખ 29/10/2020 ની મુદ્દત આપી પુરાવા રજુ કરવા જણાવેલ હતુ પરંતુ એ મુદ્દતના દિવસે સામાવાળો ગેરહાજર રહી કોર્ટના સમયને વેડફ્યો હતો.
આ મામલે ગેરકાયદેસર રીતે સરકારી જમીનને કબ્જે કરનાર દબાણકર્તા વિરૂદ્ધ થયેલ પંચનામાં તથા નક્શા આધારે જમીન ઉપર દિવાલ કરી દરવાજો મુકવાનુ ફલીત થતા મામલતદારની કોર્ટે હુકમ કરી દબાણ દુર કરવા આદેશ આપી સંલગ્ન કચેરી સર્કલ ઓફીસર મહેસાણા(શહેરી વિસ્તાર) તથા કસ્બા તલાટી,મહેસાણાને જાણ કરી હતી.