પાલનપુરના માલણ ગામે કાર અને રીક્ષાના અકસ્માતમાં દંપત્તિનું મોત, બાળકને રીક્ષામાંથી બહાર ફેકી દેતાં બચાવ

શેર કરવા અહીં ક્લિક કરો.
માલણ ગામે ક્રેટા ગાડી અને રીક્ષા વચ્ચે અકસ્માત : દંપતિનું કરૂણ મોત, અન્ય બે ની હાલત ગંભીર
મોતને સામે જોઈ માતાએ બાળકને રિક્ષામાંથી બહાર ફેકતાં બાળક બચી ગયું
દોઢ વર્ષના બાળકે માતા પિતાની છત્રછાયા ગુમાવી, રીક્ષા ચાલક સહિત અન્ય ૩ ને ગંભીર ઈજાઓ
ગરવી તાકાત, પાલનપુર તા. 27 – પાલનપુર તાલુકાના માલણ ગામેથી નીકળેલી રીક્ષા અને પાલનપુરથી માલણ તરફ આવી રહેલ ક્રેટા ગાડી વચ્ચે માલણના વિર મહારાજના મંદિર પાસે સર્જાયેલા જીવલેણ અક્સ્માતમાં રિક્ષામાં સવાર આશાસ્પદ દંપતિનું કરુણ મોત નિપજ્યું છે. જ્યારે રીક્ષા ચાલક અને અન્ય એકની હાલત અતિ ગંભીર છે. જો કે દંપતીના સાથે રહેલ દોઢ વર્ષના બાળકને તેની માતાએ સામે મોત જોઈ રિક્ષામાંથી બહાર ફેંકી દેતા બાળકને જીવનદાન મળી ગયું હતું. ત્યારે માતાની સમજણ શક્તિને સૌ કોઈ સલામ કરી રહ્યું છે.
પાલનપુર તાલુકાના માલણ ગામે રહેતા અને ખેત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા રમણભાઈ ગોદડભાઈ મેતિયા અને તેમના પત્ની આશાબેન ગોદડભાઈ મેતિયા પોતાના દોઢ વર્ષના બાળકને લઈ માલણથી રીક્ષામાં બેસી પાલનપુર જઈ રહ્યા હતા. આ રીક્ષામાં અન્ય એક મહિલા અને એક યુવક પણ સવાર હતા. માલણથી નીકળેલી રીક્ષા ગામના મુખ્ય પ્રવેશદ્વાર પાસે વિર મહારાજના મંદિર પાસે પહોંચી હતી ત્યાં જ સામેથી આવી રહેલ ક્રેટા ગાડી સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષાનો ખુરદો બોલી ગયો હતો. જેમાં રિક્ષામાં સવાર આ દંપતી અકાળે મોતને ભેટ્યા હતા. જેને લઇ લોકોના ટોળેટોળાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને મૃતકોને પીએમ અર્થે પાલનપુર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત ઘાયલ થયેલા અન્ય એક યુવક અને રીક્ષા ચાલકની પણ હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
કમનસીબ મૃતકોના નામ
૧. રમણભાઈ ગોદડભાઈ મેતિયા ઉંમર વર્ષ  ૪૩
૨. આશાબેન રમણભાઈ મેતિયા ઉંમર વર્ષ  ૩૫  
મોતને સામે જોઈ માતાએ બાળકને ફેંકી દીધું – આ ઘટનામાં અચાનક સામે મોત જોઈને મહિલાએ પોતાના દોઢ વર્ષના વ્હાલસોયા બાળકને બચાવવા રીક્ષાની બહાર ફેંકી દિધુ હતું. આથી બાળકને ઈજાઓ પહોંચી હતી પણ તેનો જીવ બચી ગયો હતો. જો કે બાળકે પોતાના માતા અને પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. આ સાથે મૃતક દંપતિની એક પુત્રી આશરે ૧૫ વર્ષની દીકરી પણ માતા પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે.
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.