મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીની અધ્યક્ષતામાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજાઈ
ગરવી તાકાત, મહેસાણા તા. 29 – લોકસભા સામાન્ય ચૂંટણી-2024 તથા ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓની મતગણતરી સંદર્ભે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીની અધ્યક્ષતામાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં સ્ટેટ પોલીસ નોડલ ઑફિસર તથા તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે રાજ્યના 26 મતગણતરી કેન્દ્રો પર તા. 4 જૂન, 2024ના રોજ યોજાનાર મતગણતરી માટેની વ્યવસ્થાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત ECI દ્વારા પણ ગઈકાલે મતગણતરી સંદર્ભે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.
રાજ્યના તમામ મતગણતરી મથકોએ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે એમ કહીને શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું હતું કે, તા. 4 જૂન, 2024ના રોજ સવારે આઠ વાગે સમગ્ર રાજ્યમાં 26 મતગણતરી કેન્દ્રો પર શરૂ કરાશે. આણંદ લોકસભા મતવિસ્તારમાં 02 મતગણતરી કેન્દ્રો જ્યારે અન્ય તમામ લોકસભા મતવિસ્તારના એક-એક મતગણતરી કેન્દ્રો પર એકસાથે મત ગણતરી શરૂ કરાશે.
આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર કાઉન્ટિંગ પ્રોસેસ માટે 56 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 30 ચૂંટણી અધિકારી અને 180 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. આ ઉપરાંત અંદાજે 614 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓને પોસ્ટલ બેલેટ અને ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ માટે જવાબદારી સોંપવામાં આવી છે. તા. 2 જૂન સુધીમાં મતગણતરી માટેના તમામ ઑબ્ઝર્વર્સ ફરજ સ્થળ પર હાજર થઈ જશે.