મહેસાણા એસટી વર્કશોપ રોડ આવેલ ગ્લોબલ હોસ્પિટલના ગેરકાયદેસર બાંધકામને દુર કરવા નગરપાલીકા સંદતર નિષ્ફળ ગઈ હોવાનુ સામે આવ્યુ છે. આ બાંધકામ ગેરકાયદેસર હોવાનુ સામે આવતા નગરપાલીકાએ 2015માં નોટીસ પણ ફટકારી હતી. પરંતુ આજદિન સુધી નગરપાલીકાએ પોતાની જ નોટીસ પર ધ્યાન દોર્યુ નથી. જેથી આજની સ્થિતીએ હોસ્પિટલના માલિકે બાંધકામ પુર્ણ પણ કરી દીધુ છે. આ બાબતે કોંગ્રેસના નેતાએ ચીફ ઓફિસરને પત્ર લખી ગેરકાયદેસર બાંધકામ દુર કરવા જણાવ્યુ છે.
મહેસાણા નગરપાલીકા ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ હોય તેમ એક બાદ એક નવા કૌભાંડો સામે આવી રહ્યા છે. સીટી બસ, કચરા ઉપડવાના ટેન્ડરમાં ગોટાળા, ફાયર વિભાગનો ગોટાળો, મળતીયાઓને ટેન્ડરો પધરાવી દેવા જેવા મુ્દ્દે સત્તાધીશોની છબી ખરડાઈ છે. ત્યારે ફરિવાર ગેરકાયદેસર બાંધકામ મામલે નગરપાલીકાના સત્તાધીશો પર સવાલો ઉઠી રહ્યા છે. જેમાં એસટી વર્કશોપ રોડ આવેલ ગ્લોબલ હોસ્પિટલનુ બાંધકામ ગેરકાયદેસર હોવાનુ નગરપાલીકા પણ માને છે તેમ છતાં તેની વિરૂધ્ધ કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી રહી. જેમાં આ હોસ્પિટલના માલીકના સંબધો રાજકીય નેતાઓ સાથે હોઈ નગરપાલીકા પણ માત્ર નોટીસ આપી સંતોષ માની રહી છે.
આ પણ વાંચો – મહેસાણા સીટી બસમાં GPS સીસ્ટમ વગર કીલોમીટર કેવી રીતે ગણવામાં આવી રહ્યા છે ? કોર્પોરેટરનો ચીફ ઓફિસરને પત્ર
મહેસાણા નગરપાલીકાના કાઉન્સીલર કમલેશ સુતરીયાએ ચીફ ઓફિસરને પત્ર લખી આ ગેરકાયદેસર બાંધકામ દુર કરવા જણાવ્યુ છે. સદર પત્રમાં તેમને નગરપાલીકાના સત્તાધીશોની કાર્યશૈલી ઉપર પણ સવાલો ઉઠાવ્યા છે. જેમાં તેઓએ આરોપ લગાવ્યો છે કે, આવા ગેરકાયદેસર બાંધકામ ધરાવતા લોકો મોટી રાજકીય વગવાળા હોઈ તેમની વિરૂધ્ધ કોઈ કાર્યવાહી થઈ રહી નથી.