મંદિર પ્રાંગણમાં અને ગાદી ઉપર પ્રસાદના ભાવમાં તફાવત હોવાની રાવ ઉઠી. માઇ ધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાના આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે ગતરોજ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ચમક્યો હતો. જેમાં મંદિર પ્રાંગણમાં તેમજ ગાદી પર પ્રસાદના ભાવમાં તફાવત કેમ રાખવામાં આવે છે તે મુદ્દો ઉઠવા પામ્યો હતો.

ગરવીતાકાત,બનાસકાંઠા: વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દૂર દૂરથી યાત્રાળુઓનું ઘોડાપુર અંબાજી ભાદરવી પૂનમના મહા મેળા દરમિયાન ઉમટે છે. ત્યારે અંબાજી ભાદરવી પૂનમના મહામેળાના આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે આ વખતે પણ લાખો શ્રદ્ધાળુઓ મા અંબાના ચરણોમાં શિશ ઝુકાવે તેવી વહીવટી તંત્ર દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે. ભાદરવી પૂનમના મહામેળા અંગે વિગતો આપવા માટે ગતરોજ અંબાજી ખાતે જિલ્લા કલેકટર સંદીપ સાંગલે તથા વહીવટદાર અને જિલ્લાના પત્રકારોની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં ભ્રષ્ટાચાર મુદ્દે વિવિધ મુદ્દાઓ ઉઠવા પામ્યા હતા. જેમાં પ્રસાદ ઉપરાંત યાત્રાઓની સંખ્યા બતાવવામાં પણ ભ્રષ્ટાચાર થઇ રહ્યો હોવાનો મુદ્દો ચમક્યો હતો. તે બાદ હુંડી બાબતે પણ આક્ષેપો ઉઠવા પામ્યા હતા. પ્રેસ કોન્ફરન્સમાં વર્ષ ૨૦૧૮ ના મેળા અંગે પણ સવાલ કરવામાં આવ્યો હતો કે ગત વર્ષે ૨૫ લાખ યાત્રાળુઓની સંખ્યા દર્શાવવામાં આવી હતી. જેની સામે બસમાં છ લાખ મુસાફરોએ મુસાફરી કરી હતી. તો શું બાકીના ૧૯ લાખ યાત્રાળુઓ પ્રાઇવેટ વાહનોમાં પરત ફર્યા હશે કે કેમ તેવા પણ સવાલો કરવામાં આવ્યા હતા. ત્યારે તેના જવાબમાં કેટલાક શ્રદ્ધાળુઓ સંઘના વાહનોમાં પણ પરત ફરતા હોય છે તેમ જણાવવામાં આવ્યું હતું. માં અંબાના દર્શને આવતા શ્રદ્ધાળુઓની સંખ્યા કરતાં તેમને મળતી સુવિધાઓ અંગે વિચારવું વધુ જરૂરી છે તેમ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું. ત્યાર બાદ મેળામાં આવતા વીઆઈપી લોકોને સુવિધા આપવા પાછળ ખર્ચ કરવા કરતા યાત્રાળુઓની સુવિધાઓમાં વધારો કરવા પાછળ ખર્ચ કરવો તેવું પણ સૂચન આપવામાં આવ્યું હતું. તે દરમિયાન મેળા દરમિયાન ડીજે વગાડવા પર અમુક સમયે ફરજ ડીજે વગાડવા સૂચના આપવામાં આવે તેવું પણ સૂચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારી અને બનાસકાંઠા પોલીસવડા અજીત રજીયાણ સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

તસ્વીર અહેવાલ જયંતિ મેતીય બનાસકાંઠા 

Contribute Your Support by Sharing this News: