ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લામાં કોરોનાએ ધીમે પગલે પગ પેસારો શરૃ કર્યો છે. કોરોનાનુ સંક્રમણ વધતાં નાગરીકો સહિત આરોગ્ય તંત્ર પણ ચિંતામાં મૂકાયુ છે. જિલ્લામાં રવિવારે વધુ ૪ વ્યક્તિઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં મહેસાણા શહેર અને ગ્રામ્યમાં ૧-૧, વિજાપુર ગ્રામ્યમાં ૧ અને બેચરાજી ગ્રામ્યમાં ૧ કેસ નોંધાયો હતો. છેલ્લાં ૧૮ દિવસમાં જિલ્લામાં ૨૩ કેસ નોંધાતા કોરોનાની ચોથી લહેર દસ્તક દઈ રહી હોય તેમ લાગી રહ્યુ છે.
મહેસાણા જિલ્લામાં ૨૫ મેથી કોરોનાની ચોથી લહેરની શરૃઆત થઈ ચુકી છે. એક સપ્તાહ સુધી એક-એક કેસ નોંધાયા બાદ છેલ્લાં ૪ દિવસથી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. શુક્રવારે ૩, શનિવારે ૩ અને રવિવારે વધુ ૪ કેસ નોંધાયા હતા. જો કે, તમામ પોઝિટિવ દર્દીઓમાં કોઈ લક્ષણો દેખાયા વગર રિપોર્ટ પોઝિટિવ આવતા હોમ આઈસોલેટ કરાયા છે. જ્યારે સંપર્કમાં આવેલા લોકોને એલર્ટ કરીને સેમ્પલ લેવાની તજવીજ શરૃ કરાઈ છે.
મોટાભાગના દર્દીઓ સાજા થતાં રજા આપી દેવામાં આવી છે. પરંતુ, ૪ દિવસમાં એક્ટીવ દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. જિલ્લામાં વધુ ૪ દર્દીઓની સાથે એક્ટીવ દર્દીઓની સંખ્યા ૧૬ થઈ છે. જિલ્લામાં મોટાભાગના લોકોએ વેક્સિન લીધેલી હોવાથી કોરોના સામે લડવા માટે એન્ડી બોડી વિકસિત થઈ હોવાથી એકપણ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા પડતા નથી. તેથી કોરોનાની ચોથી લહેરને લઈ નાગરીકોએ ચિંતા કરવા જેવું નહી હોવાનુ આરોગ્ય વિભાગના નિષ્ણાંતો જણાવી રહ્યા છે. તેમ છતાં છેલ્લાં ૪ દિવસથી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં થઈ રહેલાં વધારાને લઈને નાગરીકોમાં ઉચાટ જોવા મળી રહ્યો છે.