મહેસાણા શહેર સહિત જિલ્લાને કોરાના વાયરસનો ભરડો સતત વધુને વધુ કસાઈ રહ્યો હોય તેમ સોમવારે પણ જિલ્લામાં શહેરી વિસ્તારમાં ૧૬ અને ગ્રામ્ય વિસ્તારમાં ૬ મળીને વધુ ૨૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. ઉપરાંત મહેસાણાનાં ૮૫ વર્ષિય મહિલાનું ધારપુર હોસ્પિટલમાં જ્યારે કડીના ૬૫ વર્ષિય પુરૂષનું ગાંધીનગર GMERS હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જે સાથે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૫૩૦ થઈ ગઈ છે તો કોરોનાથી ૩૭ દર્દીઓ મોતને ભેટ્યાં છે અને ૨૯૯ દર્દીઓ કોરોનામુક્ત પણ થયાં છે.

હાલમાં કુલ ૧૯૪ દર્દીઓ એક્ટિવ કેસ તરીકે સારવાર હેઠળ છે.

જિલ્લામાં સોમવારે નોંધાયેલા ૨૩ પોઝિટિવ કેસમાં મહેસાણા શહેરના ૧૦ વર્ષના એક બાળખ સહિત ૯ કેસ છે, જ્યારે મહેસાણા તાલુકાના પુનાસણનો એક યુવાન અને દેદિયાસણ જીઆઈડીસીમાં એક આધેડ સંક્રમિત થયા છે. ઉપરાંત કડી શહેરમાં પાંચ, વિસનગર શહેરમાં એક મહિલા અને તાલુકાના કમાણા ગામનાં મહિલા, વિજાપુર શહેરમાં એક ૩૮ વર્ષિય પુરૂષ તથા તાલુકાના કુકરવાડાના ૬૨ વર્ષિય પુરૂષ, ઊંઝાના ૩૦ વર્ષિય યુવાન અને ૫૧ વર્ષિય આધેડ પુરૂષ, બહુચરાજીના ૪૨ વર્ષિય પુરૂષ અને જોટાણાના ચાલાસણનાં ૭૫ વર્ષિય મહિલા કોરોના સંક્રમિત થયાં છે. મહેસાણા શહેર સહિત જિલ્લામા કોરોના વાયરસના વધી રહેલા પ્રકોપથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.

મુખ્ય સચિવે સૂચનો કર્યાં

મહેસાણા જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિને લઈને મહેસાણા દોડી આ‌વેલા રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમે જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં તેમણે જિલ્લાની કોવિડ અંગે માળખાકીય સુવિધાઓની સમક્ષી કરી હતી. મહેસાણામાં રોગ અટકાયતી પગલાંની કામગીરીને પ્રસંશનિય ગણાવી કોરોના દર્દીઓનો મૃત્યુદર શૂન્ય કરવા સઘન કામગીરી કરવા સૂચનો કર્યાં હતાં. માર્ગદર્શિકાનું ચૂસ્ત પાલન, સઘન સર્વેલન્સ સહિત પર ભાર મૂક્યો હતો.

મહેસાણા પાલિકાએ એક દુકાન સીલ કરી

મહેસાણા કલેક્ટરે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતની સરકારી ગાઈડલાઈનનું ચૂસ્ત પાલન કરાવવા આદેશ કર્યા છે ત્યારે મહેસાણા શહેરમાં સોમવારે પાલિકાની ટીઓએ તપાસ હાથ ધરતાં પાલિકા ભવન નજીક જ કલા ડ્રેસીસ નામની દુકાનમાં ભીડ જણાતાં દુકાન સીલ કરાઈ હતી. જેના પગલે અન્ય દુકાનદારોમાં ફફડાટ ફેલાયો હતો અને ગાઈડલાઈનનું પાલન કરવાનું શરૂ થઈ ગયું હતું.

મોબાઈલ શોપ્સ ધારકો પાલિકામાં દોડી આવ્યા

મહેસાણા પાલિકાની ટીમોએ શહેરમાં ધાંસ વધારતાં મોબાઈલ શોપ્સ ધારકો પાલિકામાં દોડી આવ્યા હતા અને પાલિકા પ્રમુખ સમક્ષ રજૂઆત કરી હતી. જેમાં મોટી મોબાઈલ શોપમાં સ્ટાફ વધુ હોય છે ત્યારે માત્ર પાંચ માણસો કઈ રીતે રાખવા, દુકાનના એરિયા મુજબ માણસો નક્કી કરવા તેમજ મોબાઈલ લેવા આવેલા એક ગ્રાહકને ડેટા ટ્રાન્સફર, લોન પ્રોસેસ વગેરેમાં અડધા કલાક જેટલો સમય લાગતો હોય છે, એટલે વધુ માણસોની પરવાનગી આપવા વિનંતી કરાઈ હતી. તો ત્રણેય મહિના બંધ રહ્યા બાદ ભાડાં, સ્ટાફનો પગાર વગેરે ચૂકવી થાકી ગયા છીએ, તો બે વાગ્યા સુધી નહીં પણ મોડે સુધી દુકાનો ખૂલ્લી રાખવાની મંજૂરી માગી હતી.

પાલિકા પ્રમુખ નવિનભાઈ પરમાર અને ચિફ ઓફિસરે કલેક્ટરના જાહેરનામાનું અને સરકારી ગાઈડલાઈનનું પાલન કરાવતા હોવાનું કહીં સહકાર આપવાનું કહ્યું હતું અને દુકાનમાં માણસની જોવાના બદલે સ્ટાફ તેમજ ગ્રાહકો વચ્ચે છ ફૂટનું અંતર જાળવી રાખી દરેકે માસ્ક પહેરવા જણાવ્યું હતું.

Contribute Your Support by Sharing this News: