કોવિડ 19ના દર્દીઓને યોગ્ય સારવાર અને બીમારીથી મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોને હોસ્પિટલોમાં ગરિમાપૂર્ણ રીતે રાખવાના મુદ્દે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ.

સોલિસિટર જનરલે કહ્યું કે મૃતદેહોને હેન્ડલ કરવા અંગે દિશાનિર્દેશ બહાર પાડવામાં આવ્યાં છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમને મૃતદેહો કરતા વધુ જીવતા લોકોની સારવાર અંગે ચિંતા છે. ટેસ્ટની સંખ્યા પણ ઓછી કરી દેવાઈ છે. દિલ્હીમાં ખુબ ઓછા ટેસ્ટ થાય છે. મીડિયા રિપોર્ટ્સથી અમને દર્દીઓની દુર્દશા અંગે જાણકારી મળી. તેમણે મૃતદેહો સાથે રહેવું પડે છે. ઓક્સિજન જેવી સુવિધા મળતી નથી. લોકો દર્દીને લઈને આમતેમ ભાગી રહ્યા છે. જ્યારે બીજી બાજુ સરકારી હોસ્પિટલમાં બેડ ખાલી છે.કોર્ટે કહ્યું કે 15 માર્ચના રોજ મૃતદેહોને હેન્ડલ કરવા અંગે કેન્દ્ર સરકારે દિશાનિર્દેશ બહાર પાડ્યા હતાં. જેનું પાલન પણ થતું નથી. દિલ્હી, મહારાષ્ટ્ર, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં સારવારને લઈને સૌથી વધુ સ્થિતિ  ખરાબ છે. આ રાજ્યોને નોટિસ પાઠવવામાં આવે છે. દિલ્હીના LNJP હોસ્પિટલને અલગથી નોટિસ આપવામાં આવી. 17 જૂનના રોજ આગામી સુનાવણી થશે. SGએ કહ્યું કે કેટલાક ચોંકાવનારા વીડિયો સામે આવી રહ્યાં છે. સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું કે દર્દીઓ મરી રહ્યાં છે પરંતુ તેમને જોવાવાળું કોઈ નથી. કોરોનાના દર્દીઓ સાથે જાનવરથી પણ ખરાબ વર્તન થાય છે. એક દર્દીના કેસમાં તો દર્દીનો મૃતદેહ કચરામાંથી મળ્યો.

Contribute Your Support by Sharing this News: