ભારતમાં કોરોનાનો ભરડો દિન પ્રતિદિન મજબૂત થઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં અત્યાર સુધીના સૌથી વધુ 40425 કેસ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં કોરોનાથી 681 લોકોના મૃત્યુ થયા છે.

આ સાથે જ ભારતમાં કોરોનાના કુલ કેસનો આંકડો 11,18,043 થયો છે. જેમાંથી 3,90,459 એક્ટિવ કેસ છે અને 7,00,087 લોકોએ કોરોનાને માત આપી છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી 27497 લોકોના જીવ ગયા છે.

કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યો
કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્ર પહેલા નંબરે છે. જ્યાં અત્યાર સુધી કોરોનાના 310455 કેસ નોંધાયા છે. જ્યારે 11854    લોકોના કોરોનાના કારણે અત્યાર સુધીમાં જીવ ગયા છે.

બીજા નંબરે તામિલનાડુ આવે છે જ્યાં કોરોનાથી અત્યાર સુધીમાં 2481 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે રાજ્યમાં કોરોનાના કુલ 170693 કેસ નોંધાયા છે. ત્રીજા નંબરે દેશની રાજધાની દિલ્હી આવે છે. જ્યાં કોરોનાના કુલ 122793 કેસ નોંધાયા છે અને 3628 લોકોના મૃત્યુ થયા છે.

ગુજરાતમાં પણ કોરોનાનો પ્રકોપ જારી છે. જ્યાં ગઈ કાલે એક જ દિવસમાં કોરોનાના સૌથી વધુ 965 કેસ નોંધાયા હતાં અને આ સાથે રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો 48355 થઈ ગયો છે. કોરોનાએ 2142 લોકોના જીવ લીધા છે.

વિશ્વભરમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર, કુલ કેસ 1,46,45,947
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના કુલ 1,46,45,947 કેસ નોંધાયા છે જ્યારે 6,08,942 લોકોના મૃત્યુ થયા છે. જો કે 87,36,951 લોકો સાજા થયા છે.

સૌથી વધુ કેસ અમેરિકામાં 38,98,550 નોંધાયા છે.જ્યારે બીજા નંબરે 20,99,896 કેસ સાથે બ્રાઝિલ અને ત્રીજા નંબરે 11 લાખથી વધુ કેસ સાથે ભારત છે.

Contribute Your Support by Sharing this News: