— સાધારણ સભામાં કારોબારી ચેરમેન અને વિપક્ષના સભ્યો વચ્ચે ચકમક
— એક જ વોર્ડમાં વધુ ગ્રાન્ટ ફાળવી દેવાતા કોંગ્રેસના સભ્યોએ બજેટની કોપી ફાડી વિરોધ કર્યો
ગરવી તાકાત મહેસાણા : મહેસાણાના શહેરીજનોની સુખાકારી માટે પાલિકા દ્વારા રજૂ કરાયેલા વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટની કોપી ફાડી નાખીને વિરોધપક્ષ કોંગ્રેસના સદસ્યોએ વિરોધ કર્યો હતો. શહેરના દરેક વોર્ડમાં સરખો વિકાસ કરવાના બદલે એક જ વોર્ડમાં વધારે ગ્રાન્ટની ફાળવણી કરીને વડાપ્રધાનના સૌનો સાથ સૌનો વિકાસનુ સૂત્ર બજેટમાં વિસરાઈ ગયુ હોવાનો કોંગ્રેસના સભ્યોએ આક્ષેપ કર્યો હતો. વિપક્ષના વિરોધ વચ્ચે મહેસાણા પાલિકાનુ વર્ષ ૨૦૨૨-૨૩નુ રુપિયા ૮૪ લાખની પુરાંતવાળુ બજેટ બહુમતીથી મંજૂર કરાયુ હતુ. બજેટ માટે બોલાવાયેલી ખાસ સામાન્ય સભામાં ડમ્પીંગ સાઈટ સહિતના મુદ્દે કારોબારી ચેરમેન અને વિપક્ષ વચ્ચે ચકમક ઝરી હતી.
મહેસાણા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલના અધ્યક્ષસ્થાને બજેટ માટે ખાસ સામાન્ય સભા મળી હતી. ચીફ ઓફિસર અલ્પેશ પટેલે વર્ષ ૨૦૨૨-૨૩ નુ બજેટ રજૂ કર્યુ હતુ. જેમાં પાલિકાની રુપિયા ૨૨૪.૧૮ કરોડ વાર્ષિક આવક અને રુપિયા ૨૨૩.૩૪ કરોડ ખર્ચ અંદાજવામાં આવ્યો છે. જ્યારે ૮૪.૨૮ લાખ પુરાંત દર્શાવાઈ છે. બજેટ રજૂ કર્યા બાદ કમલેશ સુતરીયા, અમિત પટેલ સહિતના વિપક્ષના સદસ્યોએ બજેટની કોપી ફાડી નાખીને વિરોધ કર્યો હતો. વોર્ડ નંબર-૯ માં રુપિયા ૧૨.૫૦ કરોડના કામોની ફાળવણી કરી હોવાનો આક્ષેપ કરીને જે પદાધિકારીઓને સહી કરવાની સત્તા છે તેવા વોર્ડમાં સૌથી વધારે ગ્રાન્ટ ફાળવાઈ હોવાનુ ઉમેર્યુ હતુ. વિપક્ષી સભ્યોના શોરબકોર વચ્ચે શાસકપક્ષે બહુમતીથી બજેટ મંજૂર કરી દીધુ હતુ.
— વોર્ડ નંબર-9માં રુપિયા 12.75 કરોડના વિકાસ કામોની જોગવાઈ:
પાલિકાના વર્ષ ૨૦૨૨-૨૩ ના બજેટમાં ટીપી સ્કીમ-૨ એટલે કે વોર્ડ નંબર-૯માં ફાઈનલ પ્લોટ નંબર-૬૮માં રુપિયા ૩ કરોડના ખર્ચે નવીન સ્પોર્ટસ કોમ્પલેક્ષ, ફાઈનલ પ્લોટ નંબર-૧૬ માં રુપિયા ૩.૨૫ કરોડના ખર્ચે શોપીંગ સેન્ટર, ફાઈનલ પ્લોટ નંબર-૩૨ માં રુપિયા ૩.૨૫ કરોડના ખર્ચે શોપીંગ સેન્ટર, ફાઈનલ પ્લોટ નંબર-૬૫ માં (પરશુરામ ગાર્ડનની સામે) રુપિયા ૭૫ લાખના ખર્ચે ફિઝિયોથેરાપી સેન્ટર અને ફાઈનલ પ્લોટ નંબર-૫૪ માં રુપિયા ૨.૫૦ કરોડના ખર્ચે રી-ક્રીએશનલ સેન્ટર બનાવવાની જોગવાઈ કરાઈ છે.
— વિપક્ષનુ નેતાપદ ટકાવી રાખવા માટે ખોટો વિરોધ કરી રહ્યાનો આક્ષેપ:
કારોબારી સમિતિના ચેરમેન કૌશિક વ્યાસે કહ્યુ હતુ કે, વિપક્ષના નેતા કમલેશ સુતરીયાનુ પદ જતુ રહેવાનુ છે. તેને ટકાવી રાખવા માટે ખોટો વિરોધ કરીને કોંગ્રેસના નેતાઓની નજરમાં રહેવા માંગે છે. કોંગ્રેસ કયાં રમે છે અને ક્યાં ગરબા રમાય છે તેની તેમને જ ખબર નથી. કોંગ્રેસના સભ્યોને શહેરના નહી પણ પર્સનલ વિકાસમાં જ રસ છે. મહેસાણા-૧માં ૧૦ કરોડનો ભૂગર્ભ ગટરનો પ્રોજેક્ટ, સ્વીમીંગ પુલ, મ્યુનિસિપલ ક્રિકેટ સ્ટેડીયમ, બે પમ્પીંગ સ્ટેશન સહિતના કામો કર્યા છે.
— હેડ પોસ્ટ ઓફિસ રોડ ઉપરની ખુલ્લી ગટર મામલે નિર્ણય કરાશે:
જીઈબીની બાજુમાં હેડ પોસ્ટ ઓફિસ રોડ ઉપરની વરસાદી પાણીના નિકાલની ખુલ્લી ગટરમાં પાઈપલાઈન નાંખીને ઢાંકી દેવાના પ્રોજેક્ટ અંગે કમલેશ સુતરીયાએ કરેલી રજૂઆત બાદ આજુબાજુના વોર્ડના નગરસેવકો, આગેવાનો, પાલિકા તંત્ર સ્થળ તપાસ કરી, સ્થાનિકોનો અભિપ્રાય મેળવ્યા બાદ પ્રોજેક્ટ કરવાનો સામાન્ય સભામાં સર્વાનુમતે નિર્ણય કરાયો હતો.