વિસનગર નગરપાલિકા દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ યોજાયો હતો. જેમાં બજારમાં 30 ટકા લોકો માસ્ક વગર ફરી રહ્યા છે, ત્યારે આવા લોકો પાસેથી દંડ વસૂલી તેમાંથી માસ્ક આપવા તેમજ નગરપાલિકા દ્વારા આયુર્વેદિક ઉકાળા કેન્દ્રો શરૂ કરાય તેવી રજૂઆત કરાઇ હતી. તો સંતોષનગર સોસાયટીના પ્રમુખે તેમની સોસાયટીમાં કોરોનાનો કેસ આવતાં સફાઇ સહિતની કામગીરી બંધ કરી દેવાયાની ફરિયાદ કરી હતી.

અનલોક-1માં છુટછાટ સાથે બજારો શરૂ કરાયા બાદ સંક્રમણના કેસો વધી રહ્યા છે ત્યારે નગરપાલિકા દ્વારા યોજાયેલા સંવાદમાં નાગરિકો દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા ધંધા રોજગાર અર્થે બહાર આવતા જતા લોકો જાતે જ ક્વોરન્ટાઇન થાય અને તે માટે સોસાયટીના પ્રમુખ મંત્રી જવાબદારી લઇ આગળ આવે તે જરૂરી છે તેવો સૂર વ્યક્ત કરાયો હતો. ધંધા રોજગારના સ્થળે સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે વેપારીઓને જાગૃત બનવા કહ્યું હતું. નાગરિકો દ્વારા પાણીકાપ બંધ કરવા તેમજ નવા વર્ષમાં વેરા નહીં વધારવા રજૂઆત કરાઇ હતી. સંવાદમાં ધારાસભ્ય ઋષિકેશ પટેલ, પ્રાંત અધિકારી સી.સી. પટેલ, ચીફ ઓફિસર અશ્વિન પાઠક, પીઆઈ પી.કે. પ્રજાપતિ, આરોગ્ય વિભાગમાંથી તબીબ રાજુભાઇ પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.