— પરીણીતાની માનસિક અસ્થિરતાનો લાભ લઈ પતિએ છૂટાછેડાની નોટરી પર સહીઓ કરાવી દીધાની ફરિયાદ :
ગરવી તાકાત પાલનપુર :પાલનપુરમાં પરિણીતાને સતત ૧૦ વર્ષ ત્રાસ આપી અને બાળકો છીનવી લઇ કાઢી મુકનાર પતિ સામે અંતે પાલનપુરના એડવોકેટના માર્ગદર્શન અને રાહબરી હેઠળ ફરિયાદ નોંધાઈ છે. સતત ૧૦ વર્ષ પરિણીતાને માનસિક ટોર્ચર કરતા તેણી માનસિક અસ્થિર બની બેઠી હતી અને તેના પતિએ તેની પાસે અસ્થિરતાનો લાભ લઇ નોટરી પાસે લઈ જઈ બળજબરીથી સહીઓ કરાવી તેની સાથે છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવા પામી છે.
પાલનપુરના લક્ષ્મીપુરા ખાતે રહેતી સોનલબેન બાબુલાલ રાવલનાં લગ્ન ભરતકુમાર શામળભાઈ મનવર રહે.કોલેજ કમ્પાઉન્ડ પાલનપુર સાથે તેણીની મરજીથી પ્રેમસબંધ હોવાથી તે વખતે સહમતિથી થયાં હતા. હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન થયા બાદ તેણીને દામ્પત્ય જીવન દરમ્યાન તેણીને બે દિકરા અવતર્યા હતા. જોકે લગ્નને થોડોક સમય થયા બાદ તેણીના પતિ અવારનવાર તેના ચારિત્ર પર શંકા રાખી ઝઘડા કરતા હતા
અને અપશબ્દો બોલી શારીરિક તથા માનસિક ત્રાસ આપી ટોર્ચર કરતાં હોઈ તેણીની ડિપ્રેશનનો શિકાર બની ગઈ હતી અને છોકરી ડિપ્રેશનનો શિકાર બનતા તેણીને ધમકી આપી છુટાછેડા લેખ તૈયાર કરી અને બન્ને બાળકો તેણીના પતિ ભરતકુમાર મણવરે છીનવી લીધાં હતાં અને માનસિક અસ્થિરતાનો લાભ લઈ નોટરી પાસે લઇ જઇ બળજબરીથી સહીઓ કરાવી છેતરપિંડી આચરી હતી.
પરિણીતાએ તેના પતિના કહેવાથી નોકરી પણ છોડી દીધી હતી અને ઝગડા કંકાસને કારણે ડિપ્રેશનમાં આવી જતાં તેણીની હાલત અસ્થિર હોવાથી તેણે છૂટાછેડાના કાગળમાં સહી કરી દીધી હતી અને ત્યાર બાદ તેની હાલત વધુ ગંભીર થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરીણીતા ત્યારથી ન્યાય માટે માંગ કરી રહી હતી
પરંતુ તેને ન્યાય મળી રહ્યો ન હતો. દરમ્યાન તેનો સંપર્ક પાલનપુરના એડવોકેટ એ.એચ.છોરીયા કે જેઓ હ્યુમન રાઇટસ એક્ટિવીસ્ટ અધિકારી સાથે થતા તેઓએ તેણીને ન્યાય આપવા માટે બીડું ઝડપ્યું અને એસ.પી. સમક્ષ તેણીની સાથે થયેલા અત્યાચાર સંબંધિત રજૂઆત કરતાં અંતે તેણીની ફરિયાદની જીલ્લા પોલીસવડા અક્ષયકુમાર મકવાણાની સુચનાથી ગંભીરતા પૂર્વક લઈ તેણીના પતિ સામે અંતે પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર