— વસાઈ પોલીસે બંને પક્ષોના 6 શખ્સો સામે ફરિયાદ નોંધી
વિજાપુર તાલુકાના દેવડામાં ગાયો સાઈડમાં લેવા અને યુવતીની છેડતી બાબતે ગામના યુવકો વચ્ચે મારામારી થતાં બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી હતી. વસાઈ પોલીસે હત્યાના પ્રયાસ તેમજ યુવતીની છેડતી બાબતે બંને પક્ષોના 6 શખ્સો સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
દેવડાના પટેલ સુહાગ રમેશભાઈએ રબારી દિનેશ ઉર્ફે પકો તળજાભાઈ અને રબારી જીજ્ઞેશ ઉર્ફે જીગો તળજાભાઈ સામે ફરિયાદમાં જણાવ્યુ હતુ કે, તે કાર લઈને વિસનગર જતા હતા તે સમયે આરોપીઓ રોડ ઉપર ગાયો ચરાવતા હોવાથી સાઈડમાં લેવાનુ કહેતા બોલાચાલી થઈ હતી. ત્યારબાદ આરોપીઓએ લાકડીઓ વડે જીવલેણ હુમલો કરતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. જ્યારે રૂપિયા 3.50 લાખનો 7 તોલાનો સોનાનો દોરો ઝપાઝપીમાં પડી ગયો હતો.
જ્યારે દેવડાના દિનેશ ઉર્ફે પકો દેસાઈએ પટેલ સુહાગ રમેશભાઈ, પટેલ શૈલેષ નારાયણભાઈ, પ્રજાપતિ ભલાભાઈ વિહાભાઈ અને પટેલ યોગેશ રમેશભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી. દિનેશ દેસાઈ સીમમાં ગાયો ચરાવી આવતા હતા તે સમયે તેની કુટુંબી બહેનને 14 ફેબ્રુઆરીના રોજ ઘરમાં કામ કરતી હતી તે સમયે પાસે જઈ હાથ પકડી રૂમમાં લઈ જઈ દરવાજો બંધ કરી છેડતી કરી આબરૂ લેવાની કોશિશ કરી હોવાથી સુહાગ પટેલને ઠપકો આપવા જતા સુહાગ પટેલ, શૈલેષ પટેલે દિનેશ દેસાઈને ધોકાથી માર મારી અને તેના ભાઈ જીજ્ઞેશને ચારેય શખ્સોએ ગડદા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાવી હતી. વસાઈ પોલીસે બંને પક્ષોના 6 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


