— પાલનપુર તાલુકાના કુંભલમેર ખાતે તસ્કરોએ મકાનનું તાળું તોડી રૂ.૩લાખ ઉપરાંતની ચોરી થતાં ચકચાર :
— ભાણીના ત્યાં મોસાળું કરવા મુકેલ રોકડ રકમની ચોરી થતાં પરિવાર મુશ્કેલીમાં મુકાયો :
ગરવી તાકાત પાલનપુર : પાલનપુર તાલુકાના ગઢ પંથકમાં હમણાં થોડા સમય થી ચોરી ની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. એક સપ્તાહ અગાઉ મોટા ખાતે અર્બુદા માતાજીના મંદિર અને રહેણાંક મકાનમાં ચોરી થવા પામી હતી ત્યારે તેની તપાસ હજય ચાલુ છે અને ફરી કુંભલમેર ખાતે રહેણાંક મકાનનું તાળું તોડી અંદર પડેલ રોકડ અને ચાંદી ની વીંટીઓ સહીત ૩ લાખ ૪ હજારના મુદામાલ ની ચોરી થતાં ચકચાર મચી જવા પામી છે.
સમગ્ર ઘટનાની વાત કરવામા આવે તો કુંભલમેર ખાતે રહેતા મફતલાલ લખુભાઈ પાળજા અને તેમના પત્ની રાત્રીના સમયે ખેતરમાં ગયેલા હતા અને તેમનો દીકરો અને પરિવારના લોકો લગ્ન પ્રસંગે ગયેલ હતા તે દરમિયાન તેમના મકાનમાં શનિવારે રાત્રે ૨:૩૦ વાગ્યાના સુમારે અજાણ્યા શખ્સો દ્વારા ઘર ના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી ઘરમાં પડેલી લોખંડની તિજોરીમાં તેમની ભાણીના મોસાળા માટે પડેલ રોકડ ૩ લાખ રૂપિયા રોકડા અને ૪૫૦૦ રૂપિયાની ચાંદીની વીંટીઓ અને કંકાવટી આમ કુલ મળી ૩ લાખ ૪૫૦૦ રૂપિયાની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. સમગ્ર બાબતની જાણ તેમના દીકરા લગ્નમાંથી આવતા તેમને થતાં તેઓએ ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે ડોગ સ્કોવોડ, એફ એસ એલ ની ટીમ બોલાવી તપાસ હાથ ધરી હતી.
જોકે આજે તેમને તેમની ભાણીનુ મોસાળું કરવાનું હોઈ પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો. ત્યારે ગઢ પંથકમાં થઇ રહેલ ચોરીની ઘટનાઓ મામલે કુંભલમેરના પૂર્વ સરપંચ ગણેશભાઈ પટેલે જણાવ્યું હતું કે હાલમાં લગ્નસરાની સીઝન ચાલી રહી છે ત્યારે દરેક લોકોના ઘરમાંથી દર દાગીના સહિત રોકડ રકમ પડી હોય છે ત્યારે અવાર નવાર બની રહેલી ચોરીની ઘટનાઓમાં પોલીસની નિષ્ક્રિયતા જોવા મળી રહી છે. અમે જ્યારે ચોરી ની ફરિયાદ આપવા માટે ગયા ત્યારે ગઢ પીએસઆઇ દ્વારા ફરિયાદ લેવાની આનાકાની કરવામાં આવી હતી અને રકમ ઓછી લખાવવા માટે જણાવ્યું હતું ત્યારબાદ મોડેથી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારે જીલ્લા પોલીસવડાએ આ બાબતે ગંભીરતા દાખવી અને ગ્રામીણ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગ કરી હતી.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર