અમેરિકા મોકલવાની લાલચ આપનારાઓ સામે અપહરણ અને ઠગાઈની ફરિયાદ, કડીની યુવતીને અપશબ્દો બોલી રૂ. 2.74 લાખ પડાવ્યા

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત કડી: અમેરિકામાં લઇ જવાની લાલચ આપી કોલકતામાં ગોંધી રાખનાર કબૂતરબાજો સામે વધુ એક ફરિયાદ મહેસાણા જિલ્લાના કડી પોલીસ મથકમાં એક મહિલાએ નોંધાવી છે. જેમાં આરોપી તરીકે અમદાવાદના બે અને કલકત્તાના એક એજન્ટ સામે અપહરણ અને ઠગાઇ અંગે ફરિયાદ નોંધાઈ છે. નોંધનીય છે કે શખ્સોએ અપશબ્દો બોલીને યુવતી પાસેથી રૂ. 2.74 લાખ પડાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ આ જ આરોપીઓ સામે મહેસાણા જિલ્લામાં વસાઈ અને લાંઘણજ પોલીસ મથકમાં છેતરપીંડી અંગે ફરિયાદ નોંધાઈ ચુકી છે. મહેસાણા જિલ્લાના કેટલાક પટેલ પરિવારને અમેરિકા લઇ જવાના મામલે કોલકત્તામાં સતત ત્રણ મહિના સુધી ગોંધી રાખી નાણાં પડાવી લેવાની ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી હતી. જેમાં વધુ એક ભોગ બનનાર મહિલાએ કબૂતરબાજો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

કડી તાલુકામાં આવેલ નાની કડી ખાતે રહેતી રશ્મિકા પટેલ નામની મહિલાને આરોપી સુશીલ રોય, સંતોષ રોય અને કલકત્તામાં રહેતા કમલ સિંઘાનિયાએ મહિલાને કાયદેસર કેનેડાના વિઝા આપવાની વાત કરી હતી. જ્યાં કેનેડાથી યુ.એસ.એ મોકલી આપવાના બહાને પૈસા પડાવવાનું કાવતરું રચવામાં આવ્યું હતું. જ્યાં મહિલાને વિશ્વાસમાં લઈને કલકત્તા બોલાવવામાં આવી હતી.

કડીની મહિલા કલકત્તા ખાતે જતાં ત્યાં કબૂતરબાજોએ મહિલા અને તેની સાથેના કેટલાક પેસેન્જરને અલગ અલગ જગ્યાએ દોઢ માસ જેટલો સમય સુધી ગોંધી રાખ્યા હતા. જ્યાં આરોપીઓએ મહિલાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ગાળાગાળી કરી હતી. કલકત્તામાં રહેલા એજન્ટોએ મહિલા પાસેથી 3500 ડોલર તેમજ 8 હજાર રોકડા મળી કુલ 2 લાખ 74 હજાર રૂપિયા પડાવી લીધા હતા. સમગ્ર મામલે છેતરપીંડીનો ભોગ બનનાર મહિલાએ કડી પોલીસ મથકમાં અપહરણ અને ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.